અલગ-અલગ તત્વચિંતકોના અલગ-અલગ મંતવ્યો

jainshilp samachar

અલગ-અલગ તત્વચિંતકોના અલગ-અલગ મંતવ્યો

અનુ. જયંતિ એમ. સોલંકી

ચોક્કસ જ. આમાં રતીભાર પણ સંદેહ નથી. બુદ્ધની પકડ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિકતાને સમજવું હોય તો આ રીતે સમજી શકાય - માર્ક્સને તો તમે વૈજ્ઞાનિક કહો છો ને? માર્ક્સને તો કમ્યુનિસ્ટ કહે છે, દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક. સમાજશાસ્ત્ર પરત્વેનો સૌથી પ્રગાઢ, વિશ્લેષક, ખૂબ જ ઊંડાણમાં ઉતરેલા છે તે. ફ્રાયડને પણ તમે વૈજ્ઞાનિક કહો છો ને. આખી દુનિયા જાણે છે કે મન પ્રત્યેની આટલી પહોંચ અને આટલી પકડ ફ્રાયડ સિવાય કોઈની નથી. પરંતુ તમે જાણીને હેરાન થઈ જશો કે આ બંનેએ બુદ્ધના ચાર આર્ય-સત્યનો પ્રયોગ કર્યો હતો. બુદ્ધના ચાર આર્ય સત્યની વાત કરી દઉં, ત્યાર બાદ આ બંનેના સંબંધને જોડવો આસાન થઈ જશે.
બુદ્ધે કહ્યું પહેલી વાત એ જાણવી જરૂરી છે કે દુઃખ છે, કેમ કે ઘણાં લોકો એવા છે કે જેને ખબર નથી કે દુઃખ છે, એવું માનીને બેઠા છે કે આ જ જીવન છે, જ્યારે આજ જીવન છે ત્યારે દુઃખ કોને માનવું.
એવું માની લો કે એક માણસના જન્મવાની સાથે જ માથાનો દુઃખાવો થઈ રહ્યો છે - તેના જન્મવાને ૩૦ વર્ષ વીતી ગયા છે - માથાનો દુઃખાવો પહેલા દિવસથી જ ચાલુ રહ્યો છે, ચોવીસે કલાક રહ્યો છે - તેને ખબર જ નહીં પડે કે માથામાં દુઃખાવો છે, અને જ્યારે તેને ખબર જ નહીં પડે કે માથામાં દુઃખાવો છે, તો તે ઈલાજ શા માટે કરાવશે. તબીબની તલાશ કેમ કરશે, દવા જ કેમ શોધશે.
એટલે પહેલી વાત તો એ છે કે કોઈ પણ દુઃખના છૂટકારા માટે દુઃખ છે તેની અત્યંત પ્રગાઢ ભાવના હોવી જરૂરી છે, તેનો સંપૂર્ણ સ્પષ્ટ બોધ હોવો જોઈએ.
માર્ક્સે કહ્યું દુનિયાભરમાં એટલું બધું દુઃખ છે, એટલી પીડા છે, એટલી ગરીબી છે, એટલું શોષણ છે, પણ લોકોને ખબર જ નથી. ગરીબ એવું માનીને ચાલે છે કે ગરીબ હોવું એ જ મારું નસીબ છે. તેઓને એ વાતનું જ્ઞાન નથી કે હું દુઃખી છું અને એ મારું ભાગ્ય નથી, આનો ઈલાજ થઈ શકે છે.
એટલે માર્ક્સે બુદ્ધના ચાર આર્ય-સત્યમાંથી પહેલું આર્ય-સત્ય દુઃખ છે તેનો પ્રયોગ સામાજિક સ્તર પર કર્યો. તેણે કહ્યું કે ગરીબને, દુઃખીને, સર્વ રીતે નાસીપાસ થયેલાને જ્ઞાન હોવું જોઈએ કે હું દુઃખી છું, અને દુઃખી હોવું એ ભાગ્ય ન હોઈ શકે, સ્વાસ્થ્ય સ્વભાવ છે, દુઃખી હોવું વિકૃતિ છે, દુર્ધટના છે, તો જરૂર ક્યાંક ગરબડ ચાલી રહી છે, જેને સુધારી શકાય છે, એટલે પહેલી વાત એ છે કે દુઃખ છે તેનું સ્પષ્ટ જ્ઞાન હોવું.
આજ રીતની વાત ફ્રાયડે કરી મનોવિજ્ઞાનના સંબંધમાં. ધણાં લોકો વિક્ષિપ્ત અવસ્થામાં છે, પરંતુ તેઓ મનોચિકિત્સકની પાસે નથી જતાં કેમ કે તેઓને સ્મરણ નથી કે તેઓ દુઃખી છે. ધણાં લોકો દુઃખી છે, પરંતુ ક્યારેય તલાશ નથી કરતા. તેણે માની લીધું છે કે આ જ જીવન છે, આવું જ જીવન છે, આ સિવાય જીવન કેવું હોઈ શકે. આ જ રોજની દોડધામ, રોજનું ઊઠવું, બેસવું, સૂઈ જવું, આ જ કંકાશ, આ જ પ્રેમ, આ જ જીવન છે. આના સિવાયનું જીવન હોઈ શકે છે, તેવું સપનું પણ તેને નથી આવ્યું, સરખામણી પણ નથી કરી.
એટલે ફ્રાયડ પણ કહે છે કે કોઈ માણસની મનોચિકિત્સા ત્યારે જ થઈ શકે છે, જ્યારે તેને પોતાને સ્પષ્ટ થઈ જાય કે મારા મનની જે હાલત છે, જે રીતની હોવી જોઈએ તે રીતની નથી. કંઈક વિકૃત થઈ ગઈ છે, ગરબડવાળી થઈ ગઈ છે, તો જ તેનો ઈલાજ શક્ય બની શકે છે.
બંનેએ બુદ્ધના પહેલા આર્ય-સ્તયનો ઉપયોગ કર્યો છે, કદાચ તેઓને ખબર હોય કે ન પણ હોય.
બીજું આર્ય-સત્ય છે કે દુઃખનું કારણ છે. દુઃખ છે એટલાથી શું થઈ શકે? જો દુઃખ અકારણ હોય તો પછી કંઈ પણ કરી શકાતું નથી. તો આપણે અપંગ થઈ ગયા, અસહાય થઈ ગયા. કોઈ વસ્તુ અકારણ હોય તો કંઈ પણ કરી શકાતું નથી, તો શું કરી શકો? પણ, જો કારણ હોય તો કારણ બદલી શકાય છે.
ધારો કે તમારું માથું દુઃખે છે, કેમ કે તમે એવું કંઈક ભોજન લઈ રહ્યા છો, જે તમારા માથામાં દુઃખાવો પેદા કરે છે, એટલે એ ભોજન લેવાનું બંધ કરી શકાય તેમ છે. તમારા માથામાં દુઃખાવો છે, કેમ કે રાત્રે તમે તકિયા વગર સૂઈ ગયા હતા, અને જો આવી ખબર પડી જાય તો તમે તકિયું લઈને સૂઈ શકો છો. માથાનો દુઃખાવો દૂર થઈ જાય છે. તમારા માથામાં દુઃખાવો છે તો કારણ શોધવું જરૂરી છે. કારણ જ જો નહીં હોય તો માથાનો દુઃખાવો મટાડી શકાતો નથી, તેનો કોઈ ઉપાય નથી, આ ધણી મોટી વૈજ્ઞાનિક શોધ છે બુદ્ધની કે દુઃખ છે, આટલાથી શું થઈ શકે? દુઃખનું કારણ છે.
અને આવું જ માર્ક્સ કહે છે માર્ક્સ કહે છે, માણસ ગરીબ છે, કેમ કે ગરીબીનું કારણ છે, શોષણ ચાલી રહ્યું છે. આવું જ ફ્રાયડ કહે છે કે, લોકો દુઃખી છે, વિક્ષિપ્ત છે, પાગલ થઈ રહ્યા છે, ઋગ્ણ છે, મનથી સ્વસ્થ નથી, કારણ છે. કારણ મનની સ્વાભાવિકતાનું દમન, ડિપ્રેશન. કારણ પકડમાં આવી જાય તો બસ, આપણે સાચા રસ્તે ચાલી શકીએ છીએ. આ બુદ્ધનું બીજું આર્ય-સત્ય છે. તેમની વૈજ્ઞાનિકતા એકદમ સાફ છે. તમે જ્યારે ચિકિત્સક પાસે જાવ ત્યારે પૂછે છે કે શું તકલીફ છે? પહેલા પૂછે છે, શું દુઃખ છે? અને દુઃખની જાણકારી મળી ગયા પછી તે તમારી તપાસ કરે છે, નિદાન કરે છે. નિદાન એટલે કે કારણ, કયું કારણ? જો કારણ બરાબર પકડમાં આવી જાય તો ઈલાજ લગભગ તો થઈ જ ગયો સમજો. પચાસ ટકા તો થઈ જ ગયો એટલે કે નિદાન વિશેની માહિતી મળવી તે અડધો ઈલાજ કરાવી લેવા બરાબર છે.
એટલે તો તમે જ્યારે કોઈ ડોક્ટરની પાસે જાઓ છો જે નહીં તો દવા આપે કે નહીં તો ઈલાજ કરશે. પરંતુ ફક્ત ડાયગ્નોસિસ કરશે, ફક્ત નિદાન કરશે, તેની ફી સૌથી વધારે હોય છે. દવા દેનારાની તો કોઈ ફી જ નથી હોતી - કમ્પાઉન્ડર આપી દે છે, કેમિસ્ટ આપી શકે છે, તેની કોઈ ફી થોડી હોય છે. એક વાર ખબર પડી જાય કે આ રહી બીમારી અને આ રહ્યું કારણ, એટલે વાત સરળ થઈ ગઈ. પછી કોઈ અડચણ નથી, સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે નિદાન.
તો બુદ્ધ જ્યારે કહે છે દુઃખ છે, દુઃખનું કારણ છે, એટલે નિદાન વિશે જણાવી રહ્યા છે, તે કહેતા હતા પહેલા નિદાન કરી લો. માર્ક્સે નિદાન કર્યું કે સમાજમાં આટલી દરિદ્રતા, દુઃખ, પીડા સૈકાઓથી રહી છે કેમ કે શોષણ છે. જો આ નિદાન ગલત હોય તો ઈલાજ નહીં થઈ શકે. બીજા ધણાં લોકોએ આવું નિદાન કર્યું હતું, પણ ખોટું હતું.
ધાર્મિક લોકો કહી રહ્યા છે માનવીને કે માનવી ગરીબ છે, કેમ કે પાછલા જન્મોમાં પાપ કર્યા છે, આ નિદાન ખોટું છે, આ નિદાન સાચું નથી. આવા નિદાનના કારણે ગરીબ માણસ ગરીબ જ રહ્યો અને આ નિદાનને માનનારા ગરીબ જ રહેશે, કેમ કે આ નિદાન ખોટું છે આની સાથે કોઈ સંબંધ જ નથી જીવનની યથાર્થતાનો.
માનવી ગરીબ છે, કેમ કે તેને ગરીબ રાખવાનું એક સંપૂર્ણ ષડયંત્ર છે, મનુષ્ય ગરીબ છે, કેમ કે તે કમાય તે પહેલાં તેની પાસેથી આંચકી લેવામાં આવે છે. માણસ કંઈક પેદા કરે તે પહેલાં જ તેનું ખિસ્સું કપાઈ જાય છે, અને ખિસ્સું કાપવાનું એટલું બધું સૂક્ષ્મ આયોજન કરાયેલું છે કે તેને ખબર પણ નથી પડતી. આવું કેટલીયે સદીઓથી ચાલ્યું આવે છે કે તેનું તેને ભાન પણ નથી થતું કે આ શું થઈ રહ્યું છે અને જેના હાથમાં સંપત્ત્િા છે, જેના હાથમાં તાકાત છે, તેઓ સ્વાભાવિકતાથી સમજાવશે કે અમે શું કરી શકીએ? પાછલા જન્મના પાપોના કારણે તમે દુઃખ ભોગવી રહ્યા છો.
હવે મજા એ વાતની છે, પાછલા જન્મનું જો પાપ કારણરૂપ હોય તો પછી હવે કંઈ જ ન કરી શકાય, ભોગવવું જ પડશે, કેમ કે પાછલા જન્મો તો થઈ ચૂક્યા છે, ૧૦૦ જન્મ થઈ ગયા છે, હવે તેને બદલી ન શકાય. હવે તો એટલું જ થઈ શકે - આવતાને સંભાળી લો, આવતા જન્મને સંભાળી લો. ને હવે એવી કોઈ ભૂલ-ચૂક ના કરશો કે આવતા જન્મમાં ગરીબ બની જાવ.
ન તો પાછલા જન્મની કંઈ ખબર છે, ન તો આગલા જન્મની કંઈ ખબર. જ્યારે જેની પાસે ધન છે, સ્વભાવતઃ તે કહે છે, અમે તો પાછલા જન્મનું પુણ્યનું ફળ ભોગવી રહ્યા છીએ. પરિસ્થિતિ ઊલટી છે, જેની પાસે ધન છે, તેઓ આ જન્મના પુણ્યોનું ફળ ભોગવી રહ્યા છે અને જેની પાસે ધન નથી, તે કદાચ આ જન્મના પુણ્યોનું ફળ ભોગવી રહ્યા છે, ભલા માણસોનું શોષણ થાય છે, ખરાબ માણસો છાતી ઉપર સવાર થઈ જાય છે, છાતી ઉપર બેસવા માટે ખરાબ માણસ હોવું જરૂરી છે, નહીં તો છાતી ઉપર બેસી જ નહીં શકો.
એટલે રાજા છે, મહારાજા છે, ધનપતિ છે, શોષણની મોટી ઝાળ બિછાવેલી છે અને એ ઝાળમાં સૌથી ઉપયોગી આદમી હતો તે પુરોહિત, પંડિત, પુજારી. કેમ કે તેણે લોકોને ઝેર આપ્યું. તેઓએ લોકોને કહ્યું કે શું કરશો, તમે ગરીબ એટલા માટે છો કે તમે પાછલા જન્મમાં પાપ કર્યા છે, હવે ન કરતા. હવે તો શાંત રહો, ભલા બનો, શુદ્ધ આચરણ કરો, અને જે થઈ રહ્યું છે તેને સહન કરો. નસીબ છે હવે કંઈ કરી શકાય તેમ નથી. તેને દંડ માનીને સ્વીકાર કરી લો.
આ અત્યાર સુધીનું નિદાન હતું, જે જુઠ્ઠું હતું. આ નિદાન એવું જ જુઠ્ઠું છે, જેમ કે તમે કોઈ માણસનું મગજ ખરાબ થઈ ગયું હોય અને તમે તેને કહો કે ભૂત વળગ્યું છે, ચાલો કોઈ વૃક્ષની પૂજા કરીએ કોઈક ઓજાના પગ દબાવીએ. આનું મગજ બગડી ગયું છે - તમે કહો કે ભૂત વળગ્યું છે. આ જેવું જુઠ્ઠું નિદાન છે, એવું જ જુઠ્ઠું નિદાન આ કર્મના સિદ્ધાંતનું હતું, તેણે શોષણને ખૂબ જ આગળ ધપાવ્યું.
માર્ક્સે બરાબર નિદાનને પકડયું - તેણે પકડી પાડયું - કારણ આ નથી - કારણ એ છે કે શોષણની ઝાળ છે. પરંતુ આ પૂરેપૂરી પ્રક્રિયામાં બુદ્ધના ચાર આર્ય-સત્યોનો બીજો ભાગ કામમાં લેવાયો છે.
ફ્રાયડે પણ કહ્યું કે દુઃખનું કારણ છે, દુઃખનું કારણ એ છે કે તમારા જીવનની જે નૈસર્ગિક ઈચ્છાઓ છે, તેનું દમન કરાયું છે, તેને પ્રગટ થવા નથી દીધી, એટલે માણસ વિક્ષિપ્ત છે.
સો પાગલોમાંથી ૯૯ પાગલ એટલે થાય છે કે તેઓએ કામવાસનાને દબાવી છે, જબરદસ્તીથી દબાવવામાં આવી છે, જ્યારે કામવાસનાને દબાવવામાં આવે ત્યારે એવું જ સમજો કે કિટલીનું ઢાંકણ દબાવીને બેઠા હોવ અને નીચે આગ સળગી રહી હોય, ને કિટલીમાં પાણી ઉકળી રહ્યું હોય, વધુને વધુ ઉકળી રહ્યું હોય, વરાળ બની રહી છે ને તમે ઢાંકણ દબાવીને બેઠા છો તો વિસ્ફોટ નહીં થાય તો શું થશે, વિસ્ફોટ થશે. કામવાસના અગ્નિ છે તેનું દમન કરવા કરતા સમજવી જરૂરી છે, તેનો ઉપયોગ કરવાનો છે, દમન કરવામાં આવે તો વિસ્ફોટ થાય, વિક્ષિપ્તતા આવશે. દમન કરવામાં ન આવે, ઉપયોગ કરી લેવામાં આવે, સારી દિશામાં સંલગ્ન કરવામાં આવે, સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવે, તો સંભોગની ક્ષમતા જ સમાધિ બની જાય છે.
એટલે કાં તો કામવાસના તમને વિકૃત બનાવી દે છે, કે પાગલ બનાવી દે છે અથવા તો કામવાસનાના જ ધોડા ઉપર જો સારી રીતે સવાર થઈ જાઓ તો તમે પરમાત્માના દ્વાર સુધી પહોંચી જાઓ છો. કામવાસનાને સારી રીતે સમજી લેવામાં આવે તો બ્રહ્મચર્ય બની જાય છે અને સમજવામાં ન આવે, જબરદસ્તીથી દબાવવામાં આવે તો વ્યભિચાર બની જાય છે, માનસિક વ્યભિચાર બની જાય છે. વિકૃત બની જાય છે.

હાસ્ય જૂઠ્ઠું છે, દરેક હાસ્યની પાછળ આંસુ છૂપાયેલાં છે

એટલે માર્ક્સે કહ્યું, સમાજમાં દુઃખ છે, કેમ કે શોષણ છે. ફ્રાયડે કહ્યું માણસ વિક્ષિપ્ત થાય છે, પાગલ થઈ જાય છે કેમ કે નૈસર્ગિકતાનું દમન કરાયું છે, અવરોધ ઊભો કરાયો છે. તેમની નૈસર્ગિકતાને સહજતાથી વહેવા દેવામાં આવી નથી, આ બંને બુદ્ધના આર્ય-સત્ય છે.
હવે પછીનું ત્રીજું બુદ્ધનું આર્યસત્ય છે કારણથી મુક્ત થવાનો ઉપાય છે, ઔષધિ છે, જ્યારે માર્ક્સ કહે છે, ઉપાય છે ક્રાંતિ. માર્ક્સ કહે છે ઉપાય છે બધી જ રીતે નાસીપાસ થયેલાનું રાજ્ય, નાસીપાસ થયેલાના હાથમાં શક્તિ. શોષણના યંત્રને તોડી નાખવું, ને એક વર્ગવિહિન સમાજની સ્થાપના. જ્યારે ફ્રાયડ કહે છે ઉપાય છે, મનોવિશ્લેષણ. પોતાના દબાવવામાં આવેલા મનરૂપી આવેગોની અંદર ઊંડાણની અંતદૃષ્ટિ, ઈનસાઈડ.
એટલે જ મનોચિકિત્સકો બીજું કંઈ નથી કરતાં, ફક્ત તમારી દબાવવામાં આવેલી વાસનાને પ્રગટ કરાવડાવે છે, તમારે મોઢે બોલાવડાવે છે. ધીમે-ધીમે, ધીમે-ધીમે તેને અચેતનમાંથી ખેંચીને ચેતન તરફ લાવે છે, તેને અંધારામાંથી પકડીને પ્રકાશમાં લાવે છે. તેને તમારી સામે ઊભી કરી દે છે.
જે દિવસે તમને અંદૃષ્ટિ મળી જાય છે કે કયા કારણે હું પાગલ થઈ રહ્યો હતો, જે દિવસે તમે જોઈ લો છો પોતાની અંદરના બધા જ ઉપદ્રવને. જેમાં તમને જબરદસ્તીથી સામેલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તમને થાય છે… ઔષધિ મળી ગઈ. હવે વધુ નથી દબાવવી, આ જ ઔષધિ છે. દબાવવામાં આવ્યું હતું તેને સહજ સ્થિતિમાં લાવવાનું છે, અને હવેથી દમન નથી કરવાનું. આ ત્રીજું આર્ય-સત્ય છે. ઔષધિ, ઉપાય.
ચોથું આર્ય-સત્ય એ છે કે જ્યારે નિદાન થઈ ગયું, ઉપાય થઈ ગયો, કારણનો અંત આવી ગયો તે અવસ્થા છે ચોથી - સુખની અવસ્થા. સમાજની દૃષ્ટિથી માર્ક્સ કહે છે ઃ સામ્યવાદ, જ્યારે સમભાવ થઈ જશે, જ્યારે ફ્રાયડ કહે છે ઃ મનોસ્વાસ્થ્ય, જ્યારે મન સંતુલિત હશે, સ્વસ્થ હશે, ઊર્જાવાન હશે.
આ બુદ્ધના જ ચાર આર્ય-સત્યનો ઉપયોગ છે, બુદ્ધે ધણો વિશાળ ઉપયોગ કર્યો. માર્ક્સ અને ફ્રાયડનો ઉપયોગ ધણો સંકુચિત છે. બુદ્ધે સમગ્ર અસ્તિત્ત્વ માટે પ્રયોગ કર્યો. માર્ક્સે સમાજના માટે, અર્થ વ્યવસ્થાના માટે અને ફ્રાયડે મન માટે, મનોવ્યવસ્થા માટે.
બુદ્ધે તો જે નિવેદન કર્યું છે, તે સંપૂર્ણ અસ્તિત્ત્વના માટે - દુઃખ છે, માણસ દુઃખી છે, આનાથી મોટામાં મોટું સત્ય કયું હોઈ શકે? સુખી માણસ મળે છે ક્યાં? જે આનંદિત મળે છે, તે પણ સુખી ક્યાં છે? લગાતાર તો એવું બની રહ્યું છે કે દુઃખી માણસ હાસ્ય લાવતા રહેતા હોય છે પોતાના મુખ ઉપર, આ દુઃખને પોતાનાથી છૂપાવવાનો ઉપાય છે.
બધું જ હાસ્ય જૂઠ્ઠું છે, દરેક હાસ્યની પાછળ આંસુ છૂપાયેલાં છે, શોધી રહ્યા છે માણસનું સુખ, ભીતર દુઃખનો અંબાર લાગેલો છે, થોથા છે માણસનું સુખ, મોહરા છે, ઉપરથી લગાવેલા ચહેરા છે. ભીતરનો અસલી ચહેરો કંઈક બીજો જ છે.
પરંતુ આપણે બધાં એકબીજાને ધોખો આપવામાં સફળ થઈ જઈએ છીએ. બીજા તમારો ચહેરો જુએ છે, તમને તો જોઈ નથી શકતા એટલે દરેક માણસની ભીતર એક અડચણ પેદા થઈ જાય છે. તે અડચણ એ હોય છે કે બધા સુખી જણાય છે, હું જ દુઃખી છું, તે જુએ છે કે ફલાણો હસી રહ્યો છે, ઢીંકણો હસી રહ્યો છે, જુઓ ફલાણાં પતિ-પત્ની કેવા આનંદ-મજામાં જઈ રહ્યા છે.
કોઈ દિવસ એના દર્શન એમના ધરમાં કર્યા છે? અત્યારે તે સાજ-શણગાર સજીને બહાર નીકળી આવ્યા છે અને અત્યંત પ્રસન્ન થઈ રહ્યા છે સાજ-શણગાર કરવા પહેલા ધરમાં તેમની હાલત જોઈ છે? તમને પોતાને જ પોતાના ધરની હાલતની જાણ છે, પરંતુ તમે એ જોયું હશે કે તમે પણ જ્યારે બહાર જાઓ છો, સાજ-શણગાર કરીને જાઓ છો અને ત્યારે તમે પણ એવો જ દેખાવ કરો છો જેવો હોતો નથી. ફક્ત વાર્તામાં જ જાણવા મળે છે કે બધું સુખ-સુખ છે. ધણાં જ આનંદમાં છીએ, એવું જ આ પણ દેખાવ કરી રહ્યા છીએ.
એક સૂફી વાર્તા છે કે માણસ ધણો જ દુઃખી-દુઃખી છે અને તે પરમાત્માને રોજ પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ આખરે મેંતારું શું બગાડયું છે? આટલું બધું દુઃખ મને આપ્યું. આખી દુનિયા સુખી જણાઈ રહી છે, ફક્ત મને છોડીને. જો કોઈ દુઃખી પણ મળે છે, તો એટલો દુઃખી નથી જેટલો હું છું. આખરે મારો તારી સાથે કયો વાંક છે?
એક રાત્રે તેણે સપનું જોયું, સપનામાં જોયું કે આકાશમાંથી પરમાત્મા બોલ્યા કે ઊઠ! આજે તારામાં બદલાવ લાવી દઉં છું, તું કહે છે બધા તારાથી વધારે સુખી છે. તું જ બધાથી વધુ દુઃખી છે? તેણે કહ્યું, હા પ્રભુ! આવું જ તો કહી રહ્યો છું. જિંદગીભરથી આવું કહી રહ્યો છું, હવે સાંભળી વાત. પરમાત્માએ કહ્યું ચાલ ઊઠી જા. એક મોટા ભવન તરફ આખું નગર જઈ રહ્યું છે. બધા લોકો પોત-પોતાના ખભા ઉપર પોટલા નાંખ્યા છે, કેમ કે બધા લોકોને કહેવામાં આવ્યું છે કે પોત-પોતાના દુઃખ, પોત-પોતાના સુખ, પોત-પોતાના પોટલામાં બાંધીને લઈ આવો. તે પણ પોતાનું સુખ-દુઃખ જલ્દીથી બાંધીને પહોંચી ગયો કે આજે બદલવાનો મોકો છે.
મંદિરમાં પહોંચ્યા તો બધા લોકોની ભીડ લાગી હતી. પોત-પોતાના પોટલાની સાથે. આજ્ઞા થઈ કે બધાં પોતાના પોટલાને ખૂંટી ઉપર ટાંગી દો. બધાએ પોતાના પોટલા ટાંગી દીધા. પછી આજ્ઞા થઈ કે હવે જેણે જેના પોટલા પસંદ પડે તે લઈ લે.
ધણી જ ભાગદોડ થઈ ગઈ, આ માણસ પણ ભાગ્યો. પરંતુ આヘર્ય થશે એ જાણીને તમને કે બધાએ પોત-પોતાના પોટલા ફરી પસંદ કરી લીધા - આ માણસે પણ આ સાથે જ આકાશમાંથી આકાશવાણી થઈ. પરમાત્માએ કહ્યું કેમ? ત્યારે તેણે કહ્યું કે જ્યારે પોટલું જોયું તો બીજાઓનું ધણું મોટું લાગ્યું, પોતાનું જ નાનું જણાયું, બીજું કે પોતાના દુઃખો કમસે કમ પરિચિત તો છે, અત્યારે બીજાના અપરિચિત દુઃખ આ વૃદ્ધાવસ્થા દરમિયાન કોણ લે. પોતાના દુઃખો જાણીતા તો છે. બીજાઓના દુઃખ ક્યારેય જોયા નથી. બીજાના દુઃખો ક્યારેય જોયા ન હતા, હવે પોટલામાં ભરેલા જોયા તો લાગ્યું કે ધણાં જ છે, જેના જેના ચહેરા ઉપર હાસ્ય જોયું હતું તેઓ પણ મોટા મોટા પોટલાઓ લઈને આવ્યા હતા, એટલે પોતાની પોટલું જ ઠીક રહેશે. ખરાબ, સારું જેવું પણ છે, કમ સે કમ પોતાનું તો છે. જિંદગીભર સાથે રહેવાની આદત તો છે, અનુભવ તો છે. પહોંચી વળાશે. હવે નવા દુઃખો વૃદ્ધાવસ્થામાં કોણ લે. ખબર નહીં કેવી કેવી મુસીબતો આવે, જેને પહોંચવું પણ સરળ ના હોય, અભ્યાસ ન હોય તો ધણી જ મુશ્કેલી ઊભી થાય તેમ છે.
એ જોઈને તે હેરાન થઈ ગયો કે તેણે પોતે જ પોતાની ફરી પસંદ કરી એવું નથી. દરેક માણસોએ ઝપાટાભેર પોતપોતાની પસંદ કરી લીધી, કોઈએ પણ બીજાઓનું પોટલું પસંદ નહોતું કર્યું.
આપણે જોઈએ છીએ બીજાઓની ખુશી, અને જોઈએ છીએ પોતાના દુઃખ. આનાથી મોટા ભ્રમ જેવી સ્થિતિ પેદા થાય છે, લાગે છે આખું જગત આનંદમાં છે, એક પોતાને છોડીને.
બુદ્ધે કહ્યું, દુઃખ છે, આખું જગત દુઃખી છે, તમે જ નથી, આખું અસ્તિત્ત્વ દુઃખથી પીડિત છે. સંસારમાં હોવું જ દુઃખ છે જે દુઃખી નથી તે સંસારમાં હોતા જ નથી. જેવું જ દુઃખ સમાપ્ત થઈ જાય છે. બસ તેમની સંસારની યાત્રા સમાપ્ત થઈ ગઈ. આ તેમનો આખરી પડાવ છે. પછી તે ફરી પાછા નહીં આવે. સુખી આવતા નથી. એક વખત જો પરમ સુખ પ્રાપ્ત થઈ ગયું પછી તે ગયા તે ગયા.
બુદ્ધે તો કહ્યું, એ રીતે ચાલ્યા જાય છે જેવી રીતે દીવાને ફૂંક મરાય છે ને તેની જ્યોત વિલિન થઈ જાય છે એવી જ રીતે વિલિન થઈ જાય છે. જેને સુખ મળી ગયું છે, તે ગયા તે ગયા. ફરી તે પાછા ફરતા નથી. નિર્વાણ તેમનું થઈ જાય છે, પછી તે ક્યાંય શોધવાથી નહીં મળે. તેમનો અહંકાર, તેમની અસ્મિતા તેમના જન્મ થવાનું જે મૌલિક કારણ છે તે બધા સમાપ્ત થઈ જાય છે, પછી તે ફરી વાર નથી આવતા. તો અહીં તો જે પણ પાછા ફર્યા છે, દુઃખી જ છે. દુઃખી છે એટલે જ પાછા ફર્યા છે. આવ્યા છે એટલે ચોક્કસ જ છે કે દુઃખી છે, ચહેરા કંઈ પણ કહે ચિંતા ન કરવી, અહીં દુઃખી જ પાછા ફરતા હોય છે.
એટલે બુદ્ધે કહ્યું, દુઃખ છે. અસ્તિત્ત્વ દુઃખથી પીડિત છે. સમાજ અને મન તો નાની નાની વાતો છે, આ તો સંકુચિત ઉપયોગ છે, બુદ્ધે તો આખા અસ્તિત્ત્વને કહ્યું કે દુઃખ છે, આ દુઃખનું કારણ છે. આ દુઃખનું કારણ છે તે બુદ્ધે કહ્યું ઃ તૃષ્ણા, વાસના, આગળની દોડ - હજુ વધારે મળી જાય - હજુ મળી જાય, હજુ વધારે પામી જાઉં. આ કારણે લોકો દુઃખી છે. જેટલી વધારાની દોડ, એટલા જ વધુ દુઃખી, આ કારણ છે, તૃષ્ણા કારણ છે.
આનો ઉપાય - તૃષ્ણાથી મુક્તિ. તૃષ્ણા છોડી દેવી, તૃષ્ણાને સમજી લેવી ને તૃષ્ણાને વિસર્જિત કરી દેવી. જોઈ લેવી વાસનાને અને પછી વાસના છોડી દેવી અર્થાત ધ્યાન. વૃત્ત્િા ઉત્પન્ન થાય, વાસના ઉત્પન્ન થાય, વિચાર પેદા થાય ને તમે સ્થિર પોતાની અંદર બન્યા રહો, જરા પણ હલચલ ન હોય. તમે કહો કે ઊઠતા રહો આંધી, ઊઠતા રહો તોફાન, મારા કેન્દ્રથી તમે મને હલાવી નહીં શકો. ધીરે ધીરે આવી આંધી અને તોફાન પછી નહીં ઊઠે. ત્યારે તમે પોતાની ભીતર સ્થિર થઈ જશો, પ્રતિષ્ઠા થઈ જાય - સ્વની પ્રતિષ્ઠા થઈ જાય, સ્વ-સ્થિર થઈ જશો સ્વાસ્થ્યને ઉપલબ્ધ થઈ જશો.
ને ચોથી સ્થિતિ - નિર્વાણ. જ્યાં મહાસુખ છે. તમે તો નહીં બચો, સુખ ને સુખ જ બચશે. તમે તો જ્યાં સુધી બચશો ત્યાં સુધી થોડું દુઃખ બચશે. અહંકારનો ભાવ જ દુઃખની ગાંઠ છે - કેન્સરની ગાંઠ સમજો. તમે તો નહીં બચશો, સુખનો સાગર બચશે. તે સુખના સાગરને ચોથી અવસ્થા કહી છે.
પૂછો છો તમે - "શું બુદ્ધનાચાર આર્ય-સત્ય વૈજ્ઞાનિક છે?'
મેં આનાથી મોટી કોઈ બીજી વૈજ્ઞાનિક વાત જોઈ નથી. બુદ્ધે બરાબર માણસના આંતરિક તળના સંબંધમાં એવું જ કર્યું જેવી રીતે ચિકિત્સક માણસની બીમારીના સંબંધમાં કરે છે. જે માર્ક્સે સમાજ માટે કર્યું, ફ્રાયડે મન માટે કર્યું, બુદ્ધે સમસ્ત જીવન માટે, સમગ્ર અસ્તિત્ત્વ માટે કર્યું છે.
એક ખેડૂતે એક વખત ભગવાન બુદ્ધને ફરિયાદ કરી કે હું ખેતરમાં મહેનત કરું છું, હળ ચલાવું છું, બી રોપું છું ત્યારે મને ખાવાનું મળે છે. શું એ સારું નથીકે આપ પણ બી રોપો,હળ ચલાવો ને ત્યારે ખાઓ? ધણી જ અનોખી વાત પૂછી ખેડૂતે બુદ્ધને. બુદ્ધે કહ્યું, હે બ્રાહ્મણ, હું પણ હળ ચલાવું છું, બી રોપું છું, અનાજ કાપું છું, ત્યારે ખાઉં છું. ખેડૂતે હેરાન થઈને કહ્યું, જો તમે ખેડૂત છો તો તમારા ખેતીના સાધનો ક્યાં છે? ક્યાં છે તમારા બળદો? બી ક્યાં છે? ક્યાં છે હળ? બુદ્ધે કહ્યું વિશ્વાસ મારા બી છે, જે હું રોપું છું. ભક્તિ છેવરસાદ જેતેને અંકુરિત કરે છે. વિનય છે મારું બખ્તર. મન છે બળદોને બાંધવાની રસી અને સ્મૃતિ છે મારું હળ અને હાંકવાનું. સત્ય છે બાંધવાનું સાધન. કોમળતા ખોલવાનું સાધન. શક્તિ છે બળદ મારા. આવી રીતે હું હળ ચલાવીને ભ્રમનો કાંશ ઊખાડી દઉં છું. ને જે અનાજ કાપું છું તે નિર્વાણનું. આવી રીતે દુઃખનો વિનાશ થાય છે, નિર્વાણ પ્રગટ થાય છે, હે બ્રાહ્મણ તું પણ આવું જ કર.
મનુષ્યને બુદ્ધે મોટો વૈજ્ઞાનિક વિચાર આપ્યો છે, તેને તમે સમજો તો દુઃખથી મુક્ત થઈ શકો છો.

- ઓશો

એસ ધમ્મો સનંતનો