ગૃહસ્થ હોય કે સાધુ, શાંતિપૂર્ણ જીવન માટે સમતાની ભાવના કેળવો - શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણ

Mahashraman1

ગૃહસ્થ હોય કે સાધુ, શાંતિપૂર્ણ જીવન માટે સમતાની ભાવના કેળવો - શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણ

વેસુ, સુરત

ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાત અને ગુજરાત રાજ્યનું સૌથી સમૃદ્ધ અને વિશ્વમાં હીરા અને કાપડના વ્યવસાય માટે જાણીતું સુરત શહેર હાલમાં ધર્મ અને આધ્યાત્મિકતાના શહેર તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે. જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી આ શહેરમાં તેમનો ભવ્ય ચાતુર્માસ કરી રહ્યા છે. આ અવસરનો લાભ લેવા માટે દરરોજ દેશના વિવિધ ભાગોમાંથી હજારો ભક્ત આવી રહ્યા છે અને સંયમ વિહારમાં રહીને આ અવસરનો લાભ લઈ રહ્યા છે. આચાર્યશ્રીની મંગલ સંનિધિમાં વિવિધ કાર્યક્રમો, અધિવેશનો અને સંમેલનો ચાલુ રહે છે. શુક્રવારે પણ આચાર્યશ્રીની મંગલ સાન્નિધિમાં જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભાના નેજા હેઠળ સેવા સાધક શ્રેણીના નવા પ્રોજેક્ટનો પ્રથમ ત્રણ દિવસીય શિબિર શરૂ થયો હતો, તો બીજી તરફ અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળનું વાર્ષિક અધિવેશન પણ શરૂ થયુ હતુ .

 શુક્રવારે જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા અનુશાસ્તા , ભગવાન મહાવીરના પ્રતિનિધિ આચાર્યશ્રી મહાશ્રમણજીએ 'આયારો' આગમના આધારે મહાવીર સમવસરણમા ઉપસ્થિત લોકોને સંદેશ આપ્યો હતો કે માનવ જીવનમા લાભ અને અલાભની વાત થાય છે. સાધુએ પણ લાભની બાબતમાં બહુ ખુશ ન થવું જોઈએ અને અલાભની બાબતમાં દુઃખી પણ ન થવું જોઈએ. સાધુએ બંને પરિસ્થિતિઓમાં સમતાની ભાવના જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણા ધર્મસંઘમા બે વાર અર્હત વંદના કરવામા આવે છે, જેનો પાઠ કરતી વખતે લાભ-અલાભમાં સમતા રાખવાનું સુચન કરવામાં આવ્યુ છે . લાભ-અલાભ, સુખ-દુઃખ, નિંદા-પ્રશંસા, માન-અપમાનની આ દ્વંદ્વયુક્ત પરિસ્થિતિઓમાં સમભાવે રહેવાની પ્રેરણા આપવામાં આવી છે. સાધુએ સમતાનું ,ક્ષમાનું ,અહિંસાનું, દયાનું, યતાર્થ, અને મહાવ્રતનું મૂર્ત સ્વરૂપ બનવું જોઈએ. 

 ગૃહસ્થે પણ પોતાના જીવનમાં સમતારસને વિકસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેઓ ગૃહસ્થ જીવનમાં વેપાર-ધંધા વગેરે કરે છે. જો કોઈ વર્ષમાં ખૂબ જ સારી આવક હોય, ક્યારેક નુકસાન થાય, ક્યારેક સ્થિતિ સામાન્ય પણ હોય તો આવા સંજોગોમાં ગૃહસ્તે પોતાનું માનસિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. જીવનમાં કોઈ પ્રિય વ્યક્તિથી વિયોગ થઈ જાય તો પણ માનસિક સંતુલન જાળવવાના પ્રયત્નો કરવા જોઈએ. બંને પરિસ્થિતિમાં મનને સમતાભાવમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અતિશય મોહ અને અતિશય દ્વેષ પણ અસમાનતાની સ્થિતિ છે. માણસે બંને પરિસ્થિતિઓમાં સમતા રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી માણસે લાભ વખતે અતિ ઘમંડી અને અલાભ વખતે અતિ દુઃખી ન થવાનો પ્રયત્ન કરવો જોઈએ. 

 આજથી આચાર્યશ્રીના સાનિધ્યમાં જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભાના નેજા હેઠળ ત્રિદિવસીય સેવા સાધક શ્રેણી શિબિરનો પ્રારંભ થયો હતો. આ સંદર્ભમાં જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભાના પ્રમુખ શ્રી મનસુખલાલ સેઠીયા અને આ શ્રેણીના રાષ્ટ્રીય સંયોજક શ્રી કિશનલાલ ડગલીયાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સંદર્ભમાં આશીર્વાદ આપતા આચાર્યશ્રીએ જણાવ્યું કે જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભાના નેજા હેઠળ સેવા સાધક શ્રેણીની પરિકલ્પના સામે આવીછે. સમાજમાં અનેક પ્રવૃત્તિઓ થાય છે. માણસે જીવનમાં સાધના કરવી જોઈએ. માનવજીવનમાં સારી ધાર્મિક-આધ્યાત્મિક સાધના હોવી જોઈએ અને ધાર્મિક-આધ્યાત્મિક સેવાઓ આપવાના પ્રયત્નો પણ કરવા જોઈએ. ભાગ લેનારાઓએ આ શિબિરમાંથી સારી માહિતી, સારી તાલીમ અને સારો લાભ મેળવવો જોઈએ. વિકાસ પરિષદના સભ્ય શ્રી બનેચંદ માલુએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.