દુનિયાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક શાહરુખ ખાન
Naresh Kapadia
લેખન - નરેશ કાપડીઆ
અતિ સફળ અભિનેતા શાહરુખ ખાન ૫૭ વર્ષના થયા. ૨ નવેમ્બર, ૧૯૬૫ના રોજ નવી દિલ્હીમાં તેમનો જન્મ. તેઓ નિર્માતા અને ટીવી પર્સનાલીટી તરીકે પણ વિખ્યાત છે. તેમને માટે ‘બાદશાહ ઓફ બોલીવૂડ’, ‘કિંગ ઓફ બોલીવૂડ’ કે ‘કિંગ ખાન’ જેવાં શબ્દ પ્રયોગો થાય છે. તેઓ ૮૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને અપ્રતિમ સફળતા તથા ૧૪ ફિલ્મફેર એવોર્ડ્સ જીત્યા છે. ભારતમાં જ નહીં એશિયામાં અને જગતમાં જ્યાં ભારતીયો છે ત્યાં બધે જ તેઓ લોકપ્રિય છે. તેમના પ્રેક્ષકોની સાઈઝ અને ફિલ્મોની આવક જોતાં શાહરુખ ખાન દુનિયાના સૌથી સફળ ફિલ્મ સ્ટાર્સમાંના એક છે.
એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં શાહરુખે ‘ફૌજી’ જેવી ટીવી શ્રેણીઓમાં અભિનય કરીને પોતાનો ચેહરો જાણીતો બનાવ્યો હતો. ‘દીવાના’ (૧૯૯૨)થી તેઓ ફિલ્મોમાં આવ્યા. શરૂઆતમાં ‘ડર’, ‘બાઝીગર’ કે ‘અંજામ’ જેવી સફળ ફિલ્મોમાં શાહરુખ નકારાત્મક ભૂમિકાઓ કરતા હતા. પછી શ્રેણીબદ્ધ રોમાન્ટિક ફિલ્મોમાં કામ કરીને તેઓ સ્ટાર બની ગયા. જેમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (૧૯૯૫), ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘મોહબ્બતેં’ કે ‘કભી ખુશી કભી ગમ’ને ખુબ સફળતા મળી હતી. હિન્દી સાહિત્યના અમર પાત્ર ‘દેવદાસ’ની અદાયગી માટે તેમના ખુબ વખાણ થયાં હતાં. ‘પરદેશ’માં તેઓ નાસાના વૈજ્ઞાનિક બનતા હતા. તો ‘ચક દે ઇન્ડિયા’માં હોકી પ્રશિક્ષક હતા. તેમની ‘માય નેમ ઇસ ખાન’ (૨૦૧૦)થી તેઓ દુનિયામાં જાણીતા થયા. તેમની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ (૨૦૧૩) અને ‘હેપી ન્યુ યર’ (૨૦૧૪) સૌથી વધુ આવક કરનારી ફિલ્મો બની. તેમની ફિલ્મોમાં દુનિયાના ભારતીયો સાથે ભારતના યુવાનની ખોજ, જાતિ, સામાજિક, ધાર્મિક અસમાનતાઓ અને ફરિયાદો પણ ઝળકી. તેમનું ‘પદ્મશ્રી’થી સન્માન થયું છે. તો ફ્રાંસ સરકારે તેમને બે ઉચ્ચ સન્માનો આપ્યાં છે.
૨૦૧૫થી શાહરુખ ખાન રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટ નિર્માણ કંપનીના સહઅધ્યક્ષ છે. તો આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના તેઓ સહમાલિક છે. તેઓ વારંવાર ટીવી પર અને મંચ પર પ્રેઝન્ટર રૂપે દેખાય છે. તેમના અનેક સાહસોને લીધે મીડિયા તેમને ‘બ્રાંડ એસઆરકે’ થી સંબોધે છે. આરોગ્ય સુરક્ષા અને આફત સમયની રાહતના કાર્યો તેઓ કરતાં રહે છે. ૨૦૧૧માં યુનેસ્કો દ્વારા બાળ શિક્ષણના ક્ષેત્રે કરેલાં પ્રદાન બદલ શાહરુખ ખાનનું પીરામીડ કોન મારની એવોર્ડથી સન્માન કરાયું હતું. ભારતીય સંસ્કૃતિ અંગે લોકો પર સૌથી વધુ અસર કરતી વ્યક્તિ રૂપે શાહરુખનો ઉલ્લેખ થતો હોય છે. ૨૦૦૮માં ન્યુઝવીક દ્વારા દુનિયાના ૫૦ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં શાહરુખ ખાનનો સમાવેશ કર્યો હતો. ફોર્બ્સના કહેવાં પ્રમાણે ઓગસ્ટ, ૨૦૧૭ મુજબ તેઓ ભારતના સૌથી વધુ અને દુનિયામાં આઠમાં ક્રમના સૌથી વધુ ફી અપાતા અભિનેતા છે.
નવી દિલ્હીમાં મુસ્લિમ પરિવારમાં જન્મેલા શાહરુખ ખાને તેમના પહેલાં પાંચ વર્ષ મેંગલોરમાં પસાર કર્યા હતા. ત્યાં તેમના મામા ઈફ્તીકાર એહમદ બંદરના મુખ્ય ઈજનેર હતા. તેઓ દિલ્હી પાસેના રાજેન્દ્ર નગરમાં મોટા થયા. તેમના ભાડે રહેતા મધ્યમવર્ગીય પિતા રેસ્ટોરાં ચલાવવા સહિતના અનેક કામ કરતા હતા. મધ્ય દિલ્હીની સેન્ટ કોલંબા સ્કૂલમાં ખાન ભણ્યા. તેઓ અભ્યાસમાં અને હોકી – ફૂટબોલમાં અવ્વલ હતા. નાટક કર્યા અને મંચ પર દિલીપ કુમાર, અમિતાભની નકલ પણ કરી. અભિનેત્રી અમૃતા સિંઘ તેમના બાળપણના મિત્ર છે. ખાન ૧૯૮૫-૮૮ દરમિયાન દિલ્હીની હંસરાજ કોલેજમાં અર્થશાસ્ત્ર ભણ્યા પણ વધુ સમય નાટ્યગૃહમાં આપ્યો. દિલ્હીના થિયેટર એક્શન ગ્રુપમાં બેરી જ્હોન પાસે અભિનય શીખ્યા. ૧૯૮૧માં પિતાનું કેન્સરથી અને ૧૯૯૧માં માતાનું ડાયાબિટીસથી નિધન થયું. તેમનાથી પાંચ વર્ષ મોટી બેન શાહનાઝ હતાશામાં સરી પડ્યા, જેમની કાળજી શાહરુખે લીધી. આજે પણ તેઓ સાથે રહે છે. જામિયા મિલિયા ઇસ્લામિયામાં તેઓ માસ કમ્યુનિકેશનનો અનુસ્નાતક કોર્સ કરતા હતા, જે ફિલ્મોને લીધે છોડીને મુંબઈ આવ્યા.
શાહરુખ ખાન એવા કલાકાર છે, જેમને સૌથી વધુ એવોર્ડ્સ મળ્યાં છે. તેમને ફિલ્મફેરના ત્રીસ નામાંકન અને ૧૪ એવોર્ડ્સ મળ્યાં છે. તેઓ આઠ વાર શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ્સ મળ્યાં છે, જે અંગે તેઓ દિલીપ કુમારની બરાબરી કરે છે. તેમને અભિનેતા રૂપે મળેલા એવોર્ડ્સમાં ‘બાઝીગર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દેવદાસ’, ‘સ્વદેશ’, ‘ચક દે! ઇન્ડિયા’ અને ‘માય નેઈમ ઇસ ખાન’નો સમાવેશ થાય છે. ક્યારેક તો શ્રેષ્ઠ અભિનેતાના પાંચ નામાંકનમાંથી ત્રણ નામાંકન શાહરુખને મળ્યાં હતાં. જોકે તેમને એકપણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો નથી.
શાહરુખ ખાનના જાણીતા ગીતો: યે કાલી કાલી આંખે (બાઝીગર), પ્યાર કર (દિલ તો પાગલ હૈ), જાતી હું મૈ (કરણ અર્જુન), લડકી બડી અનજાની (કુછ કુછ હોતા હૈ), નાજાને મેરે, રુક જા ઓ દિલ (ડીડીએલજે), વાહ વાહ રામજી અને બોલે ચૂડિયાં (કભી ખુશી કભી ગમ), હમકો હમી સે (મોહબ્બતેં), કલ હો ન હો (શીર્ષક), તેરે લીયે અને જાનમ દેખ લો (વીર ઝારા), દીવાનગી દીવાનગી (ઓમ શાંતિ ઓમ), સાંસ (જબ તક હૈ જાન).
નવેમ્બર માસના સિતારા
– નરેશ કાપડીઆ
– પુસ્તકનો અંશ