SGCCI દ્વારા સરસાણા ખાતે વિવનીટ એકઝીબીશન અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નો ભવ્ય શુભારંભ

Sgcci2

SGCCI દ્વારા સરસાણા ખાતે વિવનીટ એકઝીબીશન અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નો ભવ્ય શુભારંભ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’ અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે. 

શુક્રવાર, તા. ર૦ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા ખાતે ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર (નિવૃત્ત) શ્રી એસ.પી. વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા અને તેમની હાજરીમાં ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’ અને કનહહય ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્‌ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાંથી થતા ટેક્ષ્ટાઇલ્સના કુલ એક્ષ્પોર્ટમાં નેચરલ ફાઇબરમાંથી બનતા કાપડ કરતા MMFમાંથી બનતા કાપડનું એક્ષ્પોર્ટ ઓછું છે. એક અંદાજ મુજબ સુરત MMF ફેબ્રિકસના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં થતા ફેબ્રિકસના કુલ ઉત્પાદનમાં લગભગ ૬પ ટકા ફાળો આપે છે ત્યારે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ MMF ફેબ્રિકસનું એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં પ્રયાસ કરવો પડશે.

ભારત હાલમાં કાપડ ક્ષેત્રે વિશ્વમાં પ ટકાનો માર્કેટ શેર ધરાવે છે. ભવિષ્યમાં વર્ષ ર૦૪૭ સુધીમાં સંભવિત કાપડ ક્ષેત્રે ભારતનું માર્કેટ શેર વિશ્વ ફલક પર ર૦ ટકા જેટલો થઇ જશે. આવનારા ર૦ વર્ષમાં ભારતની પોતાની કાપડની આંતરીક ખપત તથા વૈશ્વિક ધોરણે જે ડિમાન્ડ ઉભી થઇ રહી છે તેને સપ્લાય કરવામાં આવશે તે જોઇને સુરતનો આર્થિક વિકાસ ગગનચૂંબી હશે, આથી આજથી જ આવનારા ભવિષ્યની પરિકલ્પના કરવી પડશે અને સુરત કે જે ભારતનું સૌથી મોટું MMF ટેક્ષ્ટાઇલ કલસ્ટર છે તેને વિશ્વનું સૌથી મોટું ટેક્ષ્ટાઇલ કલસ્ટર બનાવવા તરફ આપણે પ્રયાસ કરવો પડશે. 

છેલ્લાં ઘણા વખતની ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે ત્યારે આ ટેક્ષ્ટાઇલ પોલિસી એવી બને કે જેના કારણે સુરત વિશ્વનું ટેક્ષ્ટાઇલ હબ તરીકે વિકસી આવે. આ ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કોઇ પણ પ્રકારના બ્લેકઆઉટ પિરિયડનો અવકાશ નહીં રહે અને ૦૧/૦૪/ર૦ર૪થી અમલમાં આવે તેવી પોલિસી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે અને એના માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો કરાઇ છે. તેમણે કહયું હતું કે, સુરત પોતાની મહેનતથી આગળ વધ્યું છે ત્યારે સરકારની પોલિસીની મદદથી સુરત કયાંથી કયાં પહોંચી જશે તેની કલ્પના પણ કરી શકાય નહીં.

વધુમાં, ચેમ્બર પ્રમુખે સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એસ.પી. વર્માના યોગદાન બદલ આભાર વ્યકત કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ તેમના તરફથી સહકાર મળી રહેશે તેવો અનુરોધ કર્યો હતો.

શ્રીમતી દર્શનાબેન જરદોશે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, સુરતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોમાં સાથે મળીને કામ કરીશું. ઉદ્યોગકારોએ હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓના નિરાકરણ અને તેના ભવિષ્ય અંગે વિચારીને ચાલવું પડશે. MMF ગારમેન્ટ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે. ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી અને પાવર પોલિસી બંને માટે સાથે મળીને પ્રયાસ કરીશું. તેમણે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ ટફ, ટેક્ષ્ટાઇલની યોજના સિવાય MSME સેકટરની યોજનાઓનો પણ લાભ લેવો જોઇએ. સુરતની ઓરિજીનલ જરીને GI ટેગ મળ્યું છે ત્યારે જરી ઉદ્યોગને તથા સુરત બ્રાન્ડને પ્રમોટ કરવા ઉદ્યોગકારોને હાંકલ કરી હતી. તેમણે ઉદ્યોગકારોને ભારત સરકારની વિશ્વકર્મા યોજનાનો પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

શ્રી એસ.પી. વર્માએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોએ હવે વિશ્વના કપડાનો ટેસ્ટ સમજીને સુરતમાં બનતા ગારમેન્ટ વિશ્વના લોકોને પહેરાવવા પડશે. સુરતને લીડ કરવા માટે કાપડના ઉત્પાદકોએ અહીં (સુરતમાં) ગારમેન્ટ લઇને આવવું પડશે. સુરતમાં બનતા કાપડ ઉપર વેલ્યુ એડીશન કરીને ગારમેન્ટ ઉદ્યોગકારો ૩૦૦ ટકા કમાઇ કરી રહયા છે ત્યારે સુરતના વિવર્સ અને નીટર્સ ભાઇઓએ કપડાની સાથે સાથે ગારમેન્ટ પણ બનાવવું જોઇએ. હું ઇચ્છું છું કે, હવે આગામી જુલાઇ ર૦રપમાં યોજાનાર વિવનીટ એકઝીબીશન અને ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોમાં સુરતમાં બનેલા ગારમેન્ટનું પ્રદર્શન થવું જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે, લોકોને હવે ઇવેન્ટ બેઇઝ ગારમેન્ટ જોઇએ છે. ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ થવાના છે ત્યારે ઉદ્યોગકારોએ અત્યારથી જ તૈયારી કરવી પડશે. કારણ કે, ઓલમ્પિક ગેમ્સમાં જુદા જુદા પ્રકારના કાપડની જરૂર પડે છે. ઉદ્યોગકારોએ હવે કન્ટ્રી વાઇઝ કપડાનો ટેસ્ટ ઓળખવો પડશે. ડિજિટલ પ્રિન્ટમાં સુરતે મહારથ હાંસલ કરી છે ત્યારે સુરતની પ્રોડકટને માર્કેટ કરતા શીખવું પડશે. એના માટે માર્કેટીંગ સ્ટ્રેટેજી સ્ટ્રોન્ગ હોવી જોઇએ. વર્ષ ર૦૩૦ સુધીમાં ૩પ૦ બિલિયન યુએસ ડોલરના લક્ષ્યાંકને હાંસલ કરવો છે, અત્યારે ૧પ૦ બિલિયન ડોલર પર છીએ ત્યારે રૂપિયા ૪૦ હજાર કરોડના રોકાણની જરૂર છે. નવા કન્ઝયુમર સેગમેન્ટના માઇન્ડસેટ સાથે ઉદ્યોગકારોએ પોતાને ઢાળવું પડશે. એના માટે નાની નાની વિકનેસને દૂર કરવી પડશે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કિરણ ઠુમ્મરે ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, વિવનીટ એકઝીબીશનના ચેરમેન શ્રી દીપ પ્રકાશ અગ્રવાલ, SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોના ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, તથા ચેમ્બરના પૂર્વ પ્રમુખો શ્રી હિમાંશુ બોડાવાલા, શ્રી આશીષ ગુજરાતી, શ્રી અમરનાથ ડોરા, સીએ પી.એમ. શાહ તેમજ ટેક્ષ્ટાઇલ જગતના અગ્રણીઓ, એકઝીબીટર્સ અને ઉદ્યોગ સાહસિકો ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.