સિંગણપોર નજીક રખડતાં ઢોરોથી બાઈકચાલકો પરેશાન

જૈનશિલ્પ સમાચાર, સુરત
સિંગણપોર ગામ નજીક છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોના કારણે લોકો પરેશાન થઈ જવા પામ્યા છે. રસ્તા પર રખડતાં ઢોરો છાણ કરી દેતા હોય છે જેના કારણે ચીકણા છાણમાં વાહનચાલકો સ્લીપ થવાની અનેક ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ સંદર્ભે ગાય તેમજ ભેંસ રાખનારાઓએ ધ્યાન આપી રખડતાં કરવાની જગ્યાએ તેમની યોગ્ય સંભાળ રાખવાની જરૂરત ઊભી થઈ છે. લોકોનું કહેવું છે કે પશુ માલિકો તરફથી ઢોરોની સંભાળ રાખવામાં આવતી નથી જેના કારણે  સિંગણપોર ખાતે આવેલા નવા મહોલ્લા નજીક ગાયો તેમજ ઢોર આમતેમ આંટા મારતા રહેતા હોય છે. અહીંના રહીશો તરફથી અનેક વાર ફરિયાદ કરાઈ પણ સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેનો ભોગ જનતાએ બનવું પડતું હોય છે. રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે મકરસંક્રાંતિ ગયા બાદ ગૌસેવકો ગાય માતાઓનું કોઈ જ પ્રકારનું ધ્યાન રાખતા નથી જેના કારણે ગાય-ભેંસોની હાલત દયામણી થઈ જતી હોય છે તેમણે કચરામાંથી મેલું ખાવાની તેમજ પ્લાસ્ટિક આરોગવાની ફરજ પડતી હોય છે.