સુમધુર સંગીતકાર સલીલ ચૌધરીની જન્મ શતાબ્દી  

સુમધુર સંગીતકાર સલીલ ચૌધરીની જન્મ શતાબ્દી  
સુમધુર સંગીતકાર સલીલ ચૌધરીની જન્મ શતાબ્દી  
લેખક - નરેશ કાપડીઆ
સુમધુર સંગીતકાર સલિલ ચૌધરી જીવતા હોત તો ૧૦૦ વર્ષના થાત. ૧૯ નવેમ્બર, ૧૯૨૨ના રોજ બંગાળના ૨૪ પરગણા જીલ્લાના હરીણવી ગામે તેમનો જન્મ. બંગાળીમાં શોલીલદાના નામે મશહુર ચૌધરી સાહેબ જેટલાં સારા સંગીતકાર હતા એટલાં જ સારા કવિ, લેખક અને નાટ્યકાર હતા. તેમની બંગાળી કવિતાઓને ખુબ માન આજે પણ મળે છે. તેઓ એક બહેતરીન સંગીત નિયોજક અને અરેંજર હતા. અનેક વાદ્યો તેઓ જાતે વગાડતા, બાંસુરી, પિયાનો અને એસરાજ તેઓ સારું વગાડતા. તેમણે ૭૫ હિન્દી, ૪૦ બંગાળી અને ૨૭ મલાયમી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ફિલ્મોમાં પાશ્વ – બેકગ્રાઉન્ડ – સંગીત આપવામાં તેઓ માહિર હતા.  
સલિલનું બાળપણ આસામના ચાના બગીચા વિસ્તારમાં વીત્યું હતું. સલિલદા ના પિતાજી ડોક્ટર હતા, તેમના વિદેશી મિત્રના વિશાળ સંગીત સંગ્રહને બાળપણમાં સાંભળીને સલિલને સંગીતનો નાદ લાગ્યો હતો. પિતાજી કુલીઓ અને એવાં ચાના બગીચાના મજૂરો સાથે નાટ્ય કર્મ કરતા. આમ શરૂઆતથી જ તેઓ દેશ-વિદેશના સંગીતના પરિચયમાં આવ્યા હતા. વતન હરીનાવીની શાળામાં અને કોલકાતા યુનિવર્સીટી સાથે સંલગ્ન બંગાબાસી કોલેજમાં સ્નાતક થયા. તેઓ સંગીત સાથે રાજકીય વિચારધારાથી પણ સજ્જ થયા. ૧૯૪૪માં તેઓ સામ્યવાદી પક્ષની સાંસ્કૃતિક પાંખ સમી ઇપ્ટા (ભારતીય જન નાટ્ય સંઘ) સાથે જોડાયા. તેઓ નાટક માટે ગીતો લખતા અને સ્વરબદ્ધ કરતા. નાટકો ગામેગામ ભજવાતા અને તેમના કેટલાંક ગીતો ખુબ જાણીતા બન્યાં હતાં. વીસ વર્ષની વયે તેમણે સર્જેલા ગીત ‘જ્ઞાયેર બોધું’એ તો બંગાળી સંગીતમાં નવી તરાહ સર્જી હતી. ત્યારના જાણીતા તમામ ગાયકો તેમના ગીતો ગાતા. 
તેમની પાસે ભારતીય શાસ્ત્રીય અને લોકસંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીતની અદભુત પરખ હતી. ૧૯૪૯માં તેમણે ‘પરિબોર્તન’ નામક બંગાળી ફિલ્મમાં સંગીત આપ્યું. અને ૧૯૯૪ની બંગાળી ફિલ્મ ‘મહાભારતી’ તેમના સંગીતવાળી છેલ્લી ફિલ્મ બની રહી. ૧૯૫૩માં ગુરુદેવ ટાગોરના કાવ્ય ‘દો બીઘા જમીન’ થી પ્રેરિત થઈને સલિલે એજ નામની કથા લખી. તેના પરથી બનેલી ફિલ્મનું નિર્દેશન બિમલ રોયે કર્યું અને તેના સંગીત માટે સલીલદાને પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મ કેન્સ ફિલ્મોત્સવમાં આંતરરાષ્ટ્રીય સન્માનને પાત્ર બની હતી. આમ પોતાની પહેલી જ ફિલ્મથી સલિલદા પ્રચલિત થઇ ગયા હતા.
૧૯૫૩માં સલિલદાએ જ્યોતિ સાથે પહેલા લગ્ન કર્યા હતા, એ જ્યોતિબેન હાલ મુંબઈના બાન્દ્રામાં રહે છે. તેમના છૂટાછેડા નહોતા થયા, પણ પાછળથી સલિલદા બીજા પત્ની સબિતા સાથે રહેતાં અને તે સંબંધમાંથી તેમને બે દીકરાઓ સુકાંતા અને સંજોય તથા બે દીકરીઓ અંતરા અને સંચારી મળ્યાં. સંજોય ચૌધરી પોતે એક સફળ સંગીતકાર છે અને એક સોથી વધુ ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું છે. સાબિતા ગાયિકા હતા અને તેમના દીકરી અંતરા ચૌધરી આજના કલાકાર છે.
ભારતના પારંપરિક વાદ્યો બાંસુરી, સિતાર, વિવિધ પ્રકારના ભારતીય તાલવાદ્યોનો તેમણે ફિલ્મ સંગીતમાં અદભુત વિનિયોગ કર્યો. તેમના ગીતોમાં તેઓ એટલી જ સરળતાથી ગિટાર, વાયોલીન કે ડ્રમ્સનો પણ ઉપયોગ કરી શકતા હતા. 
સલિલદાને આપણે જે ફિલ્મોના સંગીત માટે હંમેશા યાદ રાખીશું, તેમાં દો બિઘા જમીન (એવોર્ડ), જાગતે રહો, મુસાફિર, મધુમતી (એવોર્ડ), પરખ, કાબુલીવાલા, છાયા, ઝૂલા, પૂનમ કી રાત, આનંદ, મેરે અપને કે રજનીગંધાને યાદ કરી શકાય. તેઓ ખુબ સારું પાશ્વ સંગીત આપી શકતા હતા, તેની ગવાહી એ વાત પૂરે છે કે જે ફિલ્મોમાં એકપણ ગીત ન હોય એવી ‘કાનૂન’ અને ‘ઇત્તેફાક’નું સંગીત સલિલદાએ આપ્યું હતું. મદન મોહનના નિધન બાદ ગુલઝારની ‘મોસમ’નું પાશ્વસંગીત પણ તેમણે જ આપ્યું હતું. ૧૯૮૮માં સલિલદાને ભારતની સંગીત નાટક એકેડમી દ્વારા સન્માનિત કરાયા હતા. 
સિતારના શોખીન સલિલદા ઊંચા ગજાના યુવાન ગિટારિસ્ટ ઇલિયા રાજાને પણ ખુબ પ્રેરિત કરતા હતા. એમની દીકરી અંતરાએ એક રેડીઓ પ્રોગ્રામમાં કહેલું, ‘સલિલદા મજાકમાં પોતાને માટે કહેતાં, ‘હું પુનર્જીવિત મોઝાર્ટ છું’. સલીલ ચૌધરીને વિદાય થયાને ચોવીસ વર્ષ થયા. ૫ સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ૭૧ વર્ષની વયે કોલકાતામાં તેમનું નિધન થયું હતું. તેમને વંદન.
સલિલ ચૌધરીના યાદગાર ગીતો: મોસમ બીતા જાયે (દો બીઘા જમીન), છોટા સા ઘર હોગા (નૌકરી), જાગો મોહન પ્યારે (જાગતે રહો), ઝૂમે રે નીલા અંબર ઝૂમે (એક ગાંવ કી કહાની), લાગી નહીં છૂટે રામા (મુસાફિર – ગાયક: દિલીપ કુમાર, લતાજી), દિલ તડપ તડપ કે, દૈયા રે દૈયા ચડ ગયો પાપી બિછુઆ, સુહાના સફર ઔર યે મૌસમ હસીં (મધુમતી), ઓ સજના બરખા બહાર આઈ (પરખ), અય મેરે પ્યારે વતન (કાબુલીવાલા), આહા રીમઝીમ કે યે પ્યારે (ઉસને કહા થા), આંસૂ સમઝ કે કયું મુઝે (છાયા), સાથી રે.. (પૂનમ કી રાત), મૈને તેરે લીયે હી સાત રંગ કે સપને ચુને, કહીં દૂર જબ દિન ઢલ જાયે (આનંદ), રજનીગંધા ફૂલ તુમહારે (રજનીગંધા). 
નવેમ્બર માસના સિતારા - લે. નરેશ કાપડીઆ પુસ્તકનો અંશ