પ્રશ્નોના નિરાકરણ લઈ અસરગ્રસ્ત ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો

પ્રશ્નોના નિરાકરણ લઈ અસરગ્રસ્ત ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરની રચના સમયે મહામૂલી જમીન આપનાર આસપાસના સાત ગામોના ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ આવ્યું નહોતું. જેના કારણે ખેડૂતોએ આગામી આઠમી ઓક્ટોબરથી ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ અને ધરણાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ પણ હજી સુધી આ ગામોમાં શહેર સમકક્ષ સુવિધાઓ મળી નથી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ જૈસે થે હાલતમાં છે.
પાટનગર ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ, બાસણ, બોરીજ ઇન્દ્રોડા, ધોળાકુવા, આદીવાડા, ફતેપુરા ગામોની જમીન સંપાદિત કરીને શહેર વસાવામાં આવ્યું હતું. ત્યારે આ ગામના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી તેમની પડતર માગણીઓ સંદર્ભે ગાંધીનગરમાં વિવિધ અધિકારીઓને રજૂઆત કરતા આવ્યા છે પરંતુ તેમનું કોઈ સાંભળવા તૈયાર નથી. ત્રણ મહિના અગાઉ રાજ્યના મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે માર્ગ મકાન વિભાગ તેમજ અન્ય અધિકારી, કર્મચારીઓને સૂચના આપી હતી. આ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર ગેરકાયદે ગણી રહી છે તેવા બાંધકામોને મંજૂર કરવા તેમજ શહેર સમકક્ષ સુવિધાઓ આ ગામોમાં આપવા માટે મુખ્ય માગણી હતી. જોકે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામજનોના પ્રશ્નો સંદર્ભે કોઈ જ પગલાં નહીં ભરાતા જેના પગલે ખેડૂતોએ હવે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું છે અને ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ તેમજ ધરણા કરીને સરકાર સામે લડી લેવાનું નક્કી કર્યું છે.