બેગુસરાઈમાં આડેધડ ફાયરિંગ ઘટનામાં ૭ પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ
jainshilp samachar
બિહારના બેગુસરાઈમાં બાઈક પર સવાર 2 બદમાશોએ શહેરના ૩૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ૧૧ લોકોને ભોગ બનાવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બાકીના ઘાયલ થવાથી તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
બિહાર પોલીસે જણાવ્યું કે બદમાશો આ પ્રકારની ગતિવિધિ દ્વારા દહેશત ફેલાવવા માંગતા હતા પરંતુ સ્થાનિક પોલીસની પણ ચૂક કહેવાય માટે 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બેગુસરાઈના એસ.પી. યોગેન્દ્ર કુમારે આ ગુનામાં સામેલ બંને બાઈકસવારોનો ફોટો જાહેર કરીને લોકોને તે અંગે કોઈ માહિતી હોય તો આપવા અપીલ કરી છે. પોલીસે નારંગી શર્ટમાં બાઈક પર સવાર વ્યક્તિ અને તેની પાછળ બેસેલા શકમંદ અંગેની સાચી માહિતી આપનારાને ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ પ્રકારે માહિતી આપનારા વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેની ખાતરી આપી છે. પોલીસે ૯૪૩૧૮૨૨૯૫૩ કે ૯૪૩૧૮૦૦૦૧૧ નંબર પર કોલ અથવા તો એસએમએસ, વ્હોટ્સએપ મેસેજ કરીને માહિતી આપવા જણાવ્યું છે. આ કેસની તપાસ માટે ૪ ટીમ બનાવવામાં આવી છે અને દરેક એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દરેક સ્થળના સીસીટીવી ફુટેજ દ્વારા તસવીરો એકઠી કરીને આજુબાજુના જિલ્લામાં પણ પોલીસ તંત્રને સતર્ક કરી રહી છે. આ ઘટના ફુલવરિયા, બછવાડા, તેઘડા અને ચકિયા થાણા વિસ્તારમાં બની હતી અને તે વિસ્તારોની નાકાબંધી કરવાની સાથે બોર્ડર પણ સીલ કરી દેવાઈ છે. પોલીસે તાજેતરમાં જેલમાંથી છૂટેલા અને તેમની રડારમાં હોય તેવા લોકોના સ્થળે દરોડા પાડવાનું પણ શરૂ કર્યું છે અને 5 લોકોને કસ્ટડીમાં પૂરવામાં આવ્યા છે. સીસીટીવી ફુટેજ પરથી ૨ મોટરસાઈકલ પર સવાર ૪ લોકો વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.