દેશની ૧૫ થી વધુ મુખ્ય કાપડ મંડીઓ અને કોર્પોરેટ હાઉસીસના ૨,૫૦૦ થી વધુ જેન્યુન બાયર્સે પ્રદર્શનની લીધી મુલાકાત: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

sgcci - ashok jirawala

દેશની ૧૫ થી વધુ મુખ્ય કાપડ મંડીઓ અને કોર્પોરેટ હાઉસીસના ૨,૫૦૦ થી વધુ જેન્યુન બાયર્સે પ્રદર્શનની લીધી મુલાકાત: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

સુરતના ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’માં એક્ઝિબિટર્સને રૂ. ૬૦૦  કરોડથી વધુનો બમ્પર બિઝનેસ

૩ દિવસમાં ૩૫,૦૦૦ વિઝિટર્સે લીધી મુલાકાત

લેટેસ્ટ વિસ્કોસ પોઝિશન પ્રિન્ટ, સાલસા પ્લેન-બુટી, નાયલોન અને વોટરજેટના હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની બજારમાં ભારે ડિમાન્ડ

 ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ, ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં ચેમ્બર સફળ

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. ૨૬  થી ૨૮ જૂન ૨૦૨૬ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાયેલા ત્રણ દિવસીય ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આજે રવિવારે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને સુરત શહેરની સાથે જ સમગ્ર દેશ અને વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સ તરફથી અભૂતપૂર્વ અને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.

દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસ અને ખરીદદારો એક જ મંચ પર: પ્રમુખ અશોક જીરાવાલા 
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ એક્ષ્પોની સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભારત અને વિદેશના ફેબ્રિક ઉત્પાદકો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ફેશન ડિઝાઇનર્સ, નિકાસકારો અને હોલસેલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો હતો, જેમાં ચેમ્બરને મોટી સફળતા મળી છે. ભારતની મુખ્ય કાપડ મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઇરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસના પર્ચેઝ મેનેજરોએ આ પ્રદર્શનની ખાસ મુલાકાત લીધી હતી.”

તેમણે ઉમેર્યું કે, પ્રદર્શનના શરૂઆતના બે દિવસ દરમિયાન ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારની રજાના દિવસે વધુ ૧૫,૦૦૦ લોકો ઉમટી પડ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ ૩૫,૦૦૦ જેટલા વિઝીટર્સ અને ૨,૫૦૦ થી વધુ અલગ-અલગ શહેરોના જેન્યુન બાયર્સે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું.

વિસ્કોસ, સાલસા અને હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની ધૂમ ડિમાન્ડ
 
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬ના ચેરમેન ડૉ. હરેશ પટેલે વ્યાપારી ટ્રેન્ડ્સ અંગે જણાવ્યું કે, બહારથી આવેલા મોટા ગજાના બાયર્સમાં લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત વિસ્કોસ ફેબ્રિક ઉપર પોઝિશન પ્રિન્ટ, એરજેટ મશીન પર બનેલા સાલસા પ્લેન અને સાલસા બુટીના ફેબ્રિક્સમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ જ વોટરજેટ લૂમ્સ પર તૈયાર થયેલા હોમ ફર્નિશિંગના પ્લેન ફેબ્રિક તથા ડોબી ફેબ્રિકની પણ બજારમાં ખૂબ ડિમાન્ડ રહી હતી.

પ્રદર્શનમાં વોટરજેટના વેલ્યુ એડિશન ફેબ્રિક્સ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ અને ઓર્ડર્સ જોવા મળ્યા હતા. બાયર્સ તરફથી મળેલા આ શાનદાર પ્રતિસાદને કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો સ્પોટ અને પ્રોસ્પેક્ટિવ બિઝનેસ મળ્યો છે, જે સુરતના કાપડ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ખૂબ જ આશાસ્પદ સાબિત થશે.