ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં અમિત શાહથી લઈને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી જોડાયા

ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં અમિત શાહથી લઈને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી જોડાયા

(અમદાવાદ) - ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે સમયસર શપથ ગ્રહણ કર્યાં હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં. શપથવિધિમાં ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં આરએસએસ, વીએચપી, એબીવીપી સહિતના અગ્રણીઓ રાજભવનમાં પહોંચ્યાં હતાં. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ, પૌત્રી, પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. સરકાર રચવાનો દાવો કર્યા બાદ દાદા ભગવાનના દર્શને ગયાં હતાં. રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદા ભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. આ અગાઉ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ 2012માં આ જ વિધાનસભામાંથી ચૂંટાયેલા હતા, 2014માં મુખ્યમંત્રી બન્યા હતા, બેનના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાની ટિકિટ બેનની ભલામણથી આપવામાં આવી હતી.