સુરતમાં 39 ગ્રામ કોકેઇનની ડિલીવરી કરવા આવેલું મુંબઇનું દંપતી ઝડપાયું

drugs

સુરત ઃ 26 જૂન એટલે ઇન્ટરનેશનલ ડે અગેઇન્ટ્સ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલીકીટ ટ્રાફિકીંગ અંતર્ગત સુરત એસઓજીએ કામરેજ રોડ પર નિયોલ ચેક પોસ્ટ પરથી લક્ઝુરીયસ ફોર્ચ્યુનર કારમાં મુંબઇથી સુરતના રાંદેર ખાતે નશીલા પદાર્થ એવા કોકેઇનની ડિલીવરી આપવા આવી રહેલા ઓડીયા દંપતીને ઝડપી પાડી તેમની પાસેથી 39.100 ગ્રામ કોકેઇનના જથ્થા અને કાર સહિત કુલ રૂ. 51.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. સુરત એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગૃપ) ના એએસઆઇ ઇમ્તિયાઝ ફકરૂ મોહમંદને મળેલી બાતમીના આધારે પીઆઇ આર.એસ. સુવેરા અને પીએસઆઇ વી.સી. જાડેજા અને તેમની ટીમે સુરત-કામરેજ રોડ સ્થિત નિયોલ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. જે અંતર્ગત ફોર્ચ્યુનર કાર નં. એમએચ-02 ડીએન-7318 આવતા વેંત પોલીસે અટકાવી કારમાં સવાર ઇબ્રાહીમ હુસૈન ઓડીયા (ઉ.વ. 51) અને તેની પત્ની તન્વીર ઇબ્રાહીમ ઓડીયા (ઉ.વ. 47 બંને રહે. 2704, બિસ્મીલ્લાલ હાઇટ્સ, તૈલી મહોલ્લો, જે.જે. હોસ્પિટલ નજીક, મુંબઇ, મહારાષ્ટ્ર અને મૂળ. લંગાવાડનો ઢાળીયો, રણજીત રોડ, જામનગર)ને ઝડપી પાડી કારની તલાશી લેતા તેમાંથી 39.100 ગ્રામ કોકેઇન કિંમત રૂ. 39.10 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કોકેઇન, કાર, અને 5 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 51.68 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઇબ્રાહીમ અને તન્વીરની પૂછપરછમાં દંપતીએ તેઓ છેલ્લા ઘણા વખતથી ડ્રગ્સ, ચરસનો ધંધો કરે છે. રાંદેરના ઇસ્માઇલ અને સાહીલ ઉપરાંત તેના સાળા અને સાઢુભાઇ ટોળકી બનાવી નશીલા પદાર્થનો ધંધો કરે છે અને તેઓ કોકેઇનની ડિલીવરી આપવા માટે સુરત આવી રહ્યા હતા.

સુરત-કામરેજ રોડ નિયોલ ચેક પોસ્ટ પરથી ઝડપાયેલા કોકેઇન સાથે ઝડપાયેલા ઓડીયા દંપતીની પ્રાથમિક પૂછપરછમાં તેઓ પ્રથમ વખત નહીં પરંતુ અગાઉ પણ નશીલા પદાર્થની ડિલીવરી આપવા આવી ચૂકયા છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેક વખત ડિલીવરી આપવા આવનાર ઓડીયા દંપતી અત્યાર સુધી એમ.ડી ડ્રગ્સની ડિલીવરી આપવા આવ્યું હતું. પરંતુ પ્રથમ વખત કોકેઇનની ડિલીવરી આપવા આવ્યા હતા. જો કે જાણકારોના મત મુજબ ઓડીયા દંપતી ત્રણ વખત નહીં પરંતુ દસથી બાર વખત ડિલીવરી આપવા આવી ચુકયું છે અને પોલીસને ગંધ નહીં આવે તે માટે તેઓ લક્ઝુરીયસ ફોર્ચ્યુનર કારનો ઉપયોગ કરતા હતા. પોલીસને એવી બાતમી મળી હતી કે મુંબઇનું દંપતી એક કિલોગ્રામ એમ.ડી. ડ્રગ્સની ફોર્ચ્યુનર કારમાં ડિલીવરી આપવા આવવાનું છે. જેથી વોચ ગોઠવી કારને આંતરી તલાશી લેતા તેમાંથી એમ.ડી ડ્રગ્સને બદલે કોકેઇન મળતા પોલીસ ચોંકી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસના ઇતિહાસમાં ભૂતકાળમાં દસેક વર્ષ અગાઉ બેથી ત્રણ વખત મિલીગ્રામમાં કોકેઇન પકડાયું હતું. જયારે પ્રથમ વખત 39.100 ગ્રામ જેટલો કોકેઇનનો જથ્થો મળ્યો છે.

મુંબઇ કોર્પોરેશનમાં લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા ઇબ્રાહીમ ઓડીયા પોતે પણ નશીલા પદાર્થનો બંધાણી છે. જેથી મુંબઇમાં સરળતાથી નશીલા પદાર્થ કયાં મળે છે તે બાબતથી વાકેફ છે. અત્યાર સુધી ઇબ્રાહીમ એમ.ડી. ડ્રગ્સ અને ચરસનો ધંધો કરતો હતો. પરંતુ તેમાં માર્જીન વધારે મળતું ન હતું. જેથી મુંબઇમાં રહેતા નાઇજીરીયન નાગરિક દનહીલ પાસેથી કોકેઇનનો જથ્થો લઇ સુરત ડિલીવરી કરવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિદેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે કામ કરતા પેડલરો મોટી સંખ્યામાં મુંબઇમાં રહે છે.