રાજ્યમાં 57% વરસાદ નોંધાયો, 206 ડેમ 60% ભરાયા

અમદાવાદ - હળવાથી ભારે વરસાદને પગલે

રાજ્યમાં 57% વરસાદ નોંધાયો, 206 ડેમ 60% ભરાયા

અમદાવાદ - હળવાથી ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના ખેડૂતોને રાહત મળી છે તો 206 જળાશયો 60 ટકા જેટલા ભરાઈ ગયા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 51 ટકા ભરાયો છે જ્યારે 3 સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર ગુજરાતમાં હળવાથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. બુધવાર સાંજે 6 થી ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 47 પૈકી 44 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મેઘરજમાં 7.24 ઇંચ, તલોદમાં 6.80 ઇંચ, મોડાસામાં 4.32 ઇંચ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી થઈ રહેલા સારા વરસાદને પગલે પાણીની સમસ્યા ઘટી છે. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 624.8 મીમી (જૂનથી સપ્ટેમ્બર સુધી) વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 390 મિમી કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમ 51 ટકા સુધી ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે ઑવરફ્લો થતા સૌરાષ્ટ્રવાસીઓને મોટી રાહત મળી છે. ગઈકાલે 2.10 કલાકે ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા તથા 12 ગામોમાં એલર્ટ અપાઈ હતી. શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી નીકળે છે. તથા 227 કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને ખંભાતના અખાતને મળે છે. ડેમના દરવાજા ખોલી દેવાયા બાદ પાણીની આવક ઘટીને 1550 ક્યુસેક થઈ હતી. શેત્રુંજી ડેમ રવિ તથા ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ છે.