મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી, ગામોની હાલત દયનીય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી, ગામોની હાલત દયનીય

રવિવારે અને સોમવારે પડેલા ભારે વરસાદને પગલે જામનગરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. ભારે તબાહીને કારણે લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્તોને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. વરસાદને પગલે તમામ ઘરવખરી પાણીમાં વહી ગઇ છે. જીવન પૂર્વવત થાય એ માટે ગ્રામજનોને તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે તેવી અરજ કરી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ગામની મુલાકાત લઇ ત્યાંની સ્થિતિને જાણવા પ્રયાસ કર્યો હતો. જેના લીધે ગામમાં જનપ્રતિનિધિઓ પહોંચી રહ્યા છે. જામનગરમાં અલિયાબાડા અને કાલાવડના ધોધમાર વરસાદના પાણી ધુંવાવ ગામમાં ફરી વળ્યાં હતાં. બીજી બાજુ દરિયામાં ભરતી હતી અને એને કારણે પાણી ગામ તરફ આવતું હતું, તેથી આ ગામમાં પાણીનો દરિયા તરફ નિકાલ ન થતાં ઓછા વરસાદે પણ આ ગામ તારાજ થઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર ગામના મોટા ભાગનાં ઘરોમાં વરસાદી પાણીના ભરાઈ જવાના કારણે ઘરોમાં કાદવ જામી ગયા છે. પૂરના પાણીથી ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. ગામના રસ્તાઓ પણ નજર ફેરવો તો નુકસાનીની સ્થિતિ જ જોવા મળતી હતી. ધુંવાવ તાલુકા શાળા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. શાળા કાદવથી ખદબદી રહી છે. ગ્રામજનો ભયાવહ માહોલમાંથી બહાર આવી પોતાના જીવનને પુનઃ ધબકતું કરવા માટે કામે લાગી ગયા છે અને જાતે જ ગામમાં સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક ખૂબ જ ભયાનક હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજર આવતું હતું. પાણીને કારણે અનેક પશુઓના તણાઈ જવાથી મોત થયા હતા. પશુઓને બાંધી દેવાયા હોવાના કારણે તેમના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. ગામના રહેવાસીએ જણાવ્યું હતું કે ગઇકાલે ભયાનક પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં ઘર ડૂબી ગયા હતા. આસપાસની પાળીઓ તૂટી ગઇ હતી. આખેઆખા ઘર ધોવાઈ ગયાં છે. અમારું બધુંય ધોવાઈ ગયું છે. ખાવાપીવાનું બધું અમારું પલળી ગયું છે. બધું પાણીમાં જતું રહ્યું. ઘરવખરી પાણીમાં વહી ગઈ છે. સૂત્રો અનુસાર ગામતળ સિવાયની આજુબાજુની સોસાયટી આવેલી છે. જેમાં પોણું ગામ વસેલું છે. આ સોસાયટીનાં તમામ ઘરોમાં 6-6 ફૂટ પાણી હતું. લોકો છત પર જતા રહ્યા હતા. ઘરવખરીને ખૂબ નુકસાન થયું છે. ઘણા ઢોર તણાઇ ગયાં છે. કેટલાંક બાંધેલાં ઢોર મૃત્યુ પામ્યાં છે. આ ગામને સહાય આપવાની જરૂર છે. તાત્કાલિક સર્વે કરાવી મદદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અત્યારે માણસો પૂરમાંથી કેવી રીતે બહાર આવવું એમાં બધા લાગી ગયા છે. દરેક ગ્રામજનોએ કામધંધા છોડીને સામાન્ય જીવન પૂર્વવત થાય એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. બે દિવસથી લાઈટની સમસ્યા છે, જેથી એની વ્યવસ્થા ઝડપથી થાય તેવી રજૂઆત કરાઈ છે.