અમરેલી પોલીસ અધિક્ષકે બાબરા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું, ઊંટવડ ગામની પણ લીધી મુલાકાત
jainshilp samachar
અમરેલી ઃ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહે બાબરા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કર્યું હતું.
વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી, બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓની ડીટેક્શન, આરોપીઓ પકડવાની કામગીરી, અટકાયતી પગલા, પ્રોહિબીશન અને જુગાર લગત કામગીરી, ટ્રાફિક લગત કામગીરીની સમીક્ષા કરી સારી કામગીરી બદલ અભિનંદન આપ્યા.
આ વિસ્તારમાંથી પધારેલ આગેવાનો, ખેડૂતો, વેપારીઓ સાથે સંવાદ કરી, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અંગે જરૂરી માહિતી અને સમજ આપી, લોકોની કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક લગત સમસ્યાઓ સાંભળી, તેમના પ્રશ્નોના નિરાકરણ અંગે કાર્યવાહી કરાઈ. લોકોને નીડર બની, તેમની ફરિયાદ નોંધાવવા તેમજ લોકોની આજુબાજુમાં બનતી કોઇ પણ અસામાજિક પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા સમજ આપી.
ઊંટવડ ખાતે અનુસુચિત જાતિ મહોલ્લાની મુલાકાત લીધી
જિલ્લા પોલીસ વડાએ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉંટવડ ગામની મુલાકાત લીધી હતી. અનુસુચિત જાતિ રહેણાંક વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી. આ પ્રસંગે અનુસુચિત જાતિની બાળાઓ દ્વારા સામૈયું કરીને તથા માર્ગમાં પુષ્પો વેરીને પોલીસ અધિક્ષકનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા અનુસુચિત જાતિના આગેવાનો તથા લોકો સાથે સંવાદ યોજી, બંધારણ દ્વારા મળેલ હક્કો અંગે માહિતી અને સમજ આપી તેમના બાળકોને શિક્ષણ અપાવવા અને વ્યસન તથા મોબાઇલ ફોનના અતિરેકથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પોલીસ વડા દ્વારા બાબરા પોલીસ લાઇનની મુલાકાત લઈ પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારોની મુલાકાત લીધી તથા પોલીસ લાઇનની સ્વચ્છતા અંગે મુલ્યાંકન કર્યું હતું. પોલીસના રહેણાંક મકાનો લગત પ્રશ્નો અંગે પોલીસ પરિવારના મહિલાઓ સાથે ચર્ચા કરી, તેમની રજુઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.