મહિસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ તૂટતા 13નાં મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

gambhira bridge

વડોદરા ઃ જર્જરિત થઈ ગયેલો પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના લાંબા સમયથી વ્યક્ત કરાઈ હતી તે દરમિયાન વડોદરા- પાદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પર આવેલો 45 વર્ષ જુનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં દહેશત ફેલાઈ ગઈ હતી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજ વચ્ચેથી તૂટી જતા બે કટકામાં વહેંચાઈ ગયો હતો. આ સમયે વાહનોની અવરજવર નિરંતર ચાલુ હતી. જેથી બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી  ટ્રક, બે ઇકો કાર, એક પીક અપ જીપ, બે બાઇક, રિક્ષા સહિત સાત જેટલાં વાહનો બે કાંઠે ધસમસતી વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 13 વ્યક્તિઓના મોત થયા હતા. જેમાંથી એકની ઓળખ થઈ શકી નથી. જ્યારે દસથી વધુ લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરીને બચાવયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાના સયાજી હોસ્પિટલ, પાદરાના પીએચસી સેન્ટર સહિત હોસ્પિટલોમાં ખસેડાયા છે. આ ઘટનાને પગલે બ્રિજ ઉપર કરુણ ચિચિયારીઓની બૂમરાણ મચી હતી. સ્થાનિકો તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરીની સાથે સાથે નદીમાં પડેલાં વાહનો તથા મૃતદેહ બહાર કાઢ્યા બાદ પણ કેટલાક લોકો નદીમાં ગુમ થયાની આશંકાના આધારે તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટનામાં રમેશભાઈ દલપતભાઈ પઢિયાર, ઉં. વ.૩૨, ગામ-મુજપુર,દરિયાપુરા, વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.-૪, ગામ-મુજપુર, દરિયાપુરા, નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.-૨, ગામ-મુજપુર, દરિયાપુરા, હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ. ૪૦ , ગામ- હર્ષદપુરા, વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. ૫૫, ગામ-કહાનવા, પ્રવીણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૩૩, ગામ-ઉંડેલ, ખંભાત, રાજેશભાઇ ઇશ્વરભાઇ ચાવડા, ઉ. વ. ૨૨, દેવાપુરા, આંકલાવ, કાનજીભાઇ મેલાભાઇ માછી, ઉ. વ. ૪૦ ગંભીરા, આંકલાવ, જશુભાઇ શંકરભાઇ હરિજન ઉ. વ. ૬૫ ગંભીરા, આંકલાવ, સુખભાઇ ભગવાનભાઇ વાગડિયા ઉ. વ. ૩૨ સરસવા, પંચમહાલ, મહેરામણભાઇ પરબતભાઇ હાથિયા(51) દ્વારકા સહિત વિષ્ણુભાઇ ખોડાભાઇ રાવલ (27) નવાપુરા-આંકલાવનો સમાવેશ થાય છે. જ્યારે ઘાયલોમાં સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ- મુજપુર, દરિયાપુરા, નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેગામ, ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-ઉદેપુર, રાજસ્થાન, દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૪, ગામ-નાની શેરખી અને રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકાનો સમાવેશ થાય છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલ તૂટી પડવાની ઘટનાને લઈ ઊંડો શોક વ્યક્ત કર્યો છે, વડાપ્રધાને અકસ્માતમાં ઘાયલ લોકો માટે ઝડપીથી સારા થાય તે માટે પ્રાર્થના કરી હતી અને પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને રૂ.2 લાખ અને ઘાયલોને રૂપિયા 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. એક્સ પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે, ‘ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિથી ખૂબ જ દુ:ખદ છે.