વડોદરામાં ધોધમાર 2 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત

વડોદરામાં ધોધમાર 2 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત

વડોદરા - વડોદરામાં ધોધમાર વરસાદ સાથે 2 ઇંચ વરસાદ પડતાં ભીમનાથ મહાદેવ મંદિરથી જેતલપુર રોડને જોડતાં ઓવરબ્રિજ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. આનાથી સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનાળામાં પણ ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયું હતું. જ્યારે ભીમનાથ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો નજરે ચઢતાં હતાં. 
આજે વહેલી સવારથી વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોકે બપોર બાદ ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. વડોદરા શહેરના માંડવી મંદિર રાવપુરા કારેલીબાગ ફતેગંજ અને અલકાપુરી સહિતના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દર વર્ષે ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તેમ છતાં ગરનાળામાં ભરાતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતાં નથી. જેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.