વડોદરા–સાવલી જંક્શનના સુધારા કામનું ખાતમુહૂર્ત નીતિન ગડકરીએ કર્યું

વડોદરા–સાવલી જંક્શનના સુધારા કામનું ખાતમુહૂર્ત નીતિન ગડકરીએ કર્યું

વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ ૪૮ અને એક્સપ્રેસવે પર વડોદરા–સાવલી જંક્શનના સુધારા કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે ‘દિલ્હી–મુંબઈ ગ્રીન હાઇવેનું નિર્માણકાર્ય પૂરું થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ ગ્રીન હાઇવે વિશ્વનો સૌથી મોટો હાઇવે છે જેનું રૂપિયા એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂપિયા ૧.૨૫ લાખ કરોડના માર્ગોનાં કામ ચાલી રહ્યાં છે અને વધુમાં ૧.૨૫ લાખ કરોડનાં કામ મંજૂર કરવામાં આવ્યાં છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે ‘દિલ્હી–મુંબઈ ગ્રીન હાઇવે ગુજરાતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ હાઇવે છે. ગુજરાતમાં ૩૬ હજાર કરોડના ખર્ચે ૪૨૩ કિલોમીટરના આઠ લેનના પ્રથમ તબક્કામાં ૧૩૨ કિલોમીટર પૈકી ૪૦ ટકા કામ પૂરુ થયું છે. વડોદરા–અંકલેશ્વરના ૧૦૦ કિલોમીટર માર્ગનું કામ ૨૦૨૨ સુધીમાં પૂરું થશે. ભવિષ્યમાં આ માર્ગ પર લોકો અને માલસામાનની હેરફેર ડ્રોનથી થાય એવી સુવિધા વિકસાવવામાં આવશે.’ આ પ્રસંગે વન અને પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણા, સંસદસભ્ય રંજન ભટ્ટ, વિધાનસભ્યો, નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ઑફિસરો ઉપસ્થિત રહ્યા હતા.