વલસાડના પાટીદાર-અનાવિલ પરિવારને ઉજ્જૈનમાં અકસ્માત નડ્યો, 4 બાળકોનો ચમત્કારિક બચાવ, અન્ય ઘાયલ
વલસાડ - કોરોના કાળના લાંબા સમય બાદ મઘ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલ મંદિર અને ઓમકેશ્વરના દર્શને ગયેલા વલસાડના પાટીદાર અને અનાવિલ પરિવારના સભ્યોને અકસ્માત નડતા 16 પૈકી 11 સભ્યો ઘાયલ થતાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા દાખલ કરવા પડ્યા છે. વલસાડમાં તિથલ રોડ નિવાસી અને સુગર ફેકટરીના ચેરમેન અરવિંદભાઇ પટેલના ભાણેજો નિમેષ બાબુભાઇ પટેલ, હિતેશ ગોવિંદભાઇ પટેલ, જમાઇ ચેતન પટેલ (એડવોકેટ, રાબડા) તેમના પત્ની અને સંતાનો તથા તેમના કારોબારમાં ભાગીદાર એવા વલસાડ તા.પં.ના માજી ઉપપ્રમુખ ઓલગામના અનાવિલ સમાજના કમલેશ દેસાઇ અને તેમના પરિવાર સહિત 16 સભ્યો મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિર, ઓમકેશ્વર મંદિરના દર્શને જવા 19 સપ્ટેમ્બરે વલસાડથી ઉજ્જૈન જતી ટ્રેનમાં નીકળી બીજા દિવસ સોમવારે પહોંચ્યા હતા. જ્યાંથી સ્થાનિક ટેમ્પો ટ્રાવેલર ભાડે કરી સૌ સભ્યો ઓમકેશ્વર જઈ રહ્યા હતા ત્યારે આ ટેમ્પો સંદલપુરથી ખાતેગાંવ તે સમયે નેવામર રોડ સ્થિત રજત કુંજ કોલોની સામે અચાનક સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ટમ્પો સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત થયો હતો. આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ટેમ્પોમાં સવાર વલસાડના પાટીદાર અને અનાવિલ પરિવારના આ દર્શનાર્થીઓ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી આવી હતી. 11 જેટલા ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી અમુક સભ્યોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પૂર ઝ઼ડપે પસાર થતો ડમ્પર સામેથી ટેમ્પો સાથે ભટકાતાં રોડ સાઇડે ટેમ્પો ઘસડાયો હતો. જોરદાર ટક્કરથી ટેમ્પોને ભારે નુકસાન થતાં દરવાજો લોક થઇ ગયો હતો. જેમાં બેઠેલા આ સભ્યોને બહાર કાઢવા ઘટનાસ્થળે ધસી આવેલા લોકોએ ભારે જહેમત બાદ સાધનથી લોક તોડી તેઓને બહાર કઢાયા હતા. ઘાયલ થયેલાઓમાં જેતલ નિમેશ પટેલ ઉ.42, માનવ નિમેષ પટેલ ઉ.19, નિમેષ પટેલ ઉ.45, હિતેશ ગોવિંદભાઇ પટેલ,ઉ.45, બીના હિતેશ પટેલ,ઉ.43, ચેતન કાંતિલાલ પટેલ, ઉ.45, કમલેશ આર.દેસાઇ, ઉ.60, બીના કમલેશ દેસાઇ ઉ.48,જબરાંગ આર.દેસાઇ ઉ.65, અમિતાભ મિતેશ ઉ.34 અને બંશી હિતેશ પટેલ,ઉ.19 નો સમાવેશ થાય છે.
ઘટનામાં ટેમ્પો ટ્રાવેલરમાં ડ્રાઇવર સહિત 17 સભ્ય ઓમકેશ્વર જઇ રહ્યા હતા ત્યારે સર્જાયેલા આ અકસ્માતમાં 4 બાળકોને જરાય વાગ્યું નહોતું. આ બાળકો પાછલી સીટ પર બેઠા હતા. જ્યારે ટેમ્પોના આગળના ભાગે બેઠેલા સુગર ચેરમેનના ભાણેજ મિનેષ પટેલને ચહેરા અને નાક ઉપર ઇજા પહોંચી હતી.