મુંબઈ-ચેન્નઈના જંગ સાથે આઇપીએલ યુએઈમાં ફરી શરૂ

મુંબઈ-ચેન્નઈના જંગ સાથે આઇપીએલ યુએઈમાં ફરી શરૂ

મુંબઈ - ભારતમાં શરૂ થયેલી અને કોરોના વાયરસના કપરા સમયમાં અટકી પડી હતી જે આઇપીએલની ૧૪મી સીઝન યુએઈમાં ફરી શરૂ થવા જઈ રહી છે. મેમાં જ્યારે આ સીઝન અટકી પડી ત્યારે એમ જ માનવામાં આવતું હતું કે હવે બાકીની ૩૧ મેચોનું આયોજન કરવું તકલીફજનક હશે. કોરોનાને લીધે વિખેરાઈ ગયેલું ઇન્ટરનેશનલ શેડ્યુઅલ તેમજ ટી૨૦ વર્લ્ડ કપને લીધે આઇપીએલ માટે આ ૩૧ મેચો માટેનું આયોજન ભારે મુશ્કેલજનક લાગતું હતું, પણ ભારતીય ક્રિકેટ બોર્ડ હજારો કરોડનું નુકસાન સહન કરવા તૈયાર નહોતું અને ટી૨૦ વર્લ્ડ કપ પણ ભારતમાંથી યુએઈમાં શિફ્ટ કરાવીને આઇપીએલ માટે માર્ગ થોડો આસાન કરી દીધો હતો. હવે કોરોનાગ્રસ્ત ૧૪મી સીઝનનો બીજો અને નિર્ણાયક સેકન્ડ હાફ બે ચૅમ્પિયન ટીમના જંગથી શરૂ થઈ જશે. પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ત્રણ વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હંમેશાં જંગ જોરદાર રહેશે અને આ જ સીઝનની તેમની વચ્ચેની ટક્કર પણ ભારે રોમાંચક રહી હતી અને કિરોન પોલાર્ડે ચેન્નઈના હાથમાંથી જીત છીનવી લીધી હતી. પૉઇન્ટ-ટેબલ પર હાલમાં ચેન્નઈ સાતમાંથી પાંચ જીત અને બે હાર સાથે ૧૦ પૉઇન્ટ સાથે દિલ્હી બાદ બીજા ક્રમાંકે છે, જ્યારે મુંબઈ સાતમાંથી ચાર જીત અને ત્રણ હાર સાથે આઠ પૉઇન્ટ સાથે ચોથા ક્રમાંકે છે. આઇપીએલની ૧૩મી સીઝન યુએઈમાં રમાઈ હતી જેમાં મુંબઈએ કમાલ કરતાં પાંચમી વાર ચૅમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે ચેન્નઈ પહેલી વાર પ્લે-ઑફમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. જોકે ચેન્નઈ હવે નવા જોશ સાથે એ નિષ્ફળ સીઝનને ભુલાવીને મુંબઈને પછાડીને ફરી તેમનો દમ બતાવવા તત્પર રહેશે. જ્યારે મુંબઈએ ચેન્નઈ સામે છેલ્લા ૭ જંગમાંથી ૬માં જીત મેળવી છે અને એ જાળવી રાખીને ટૉપ ફોરમાં પોતાનું સ્થાન મજબૂત કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઊતરશે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી ૩૨ જંગમાં મુંબઈ ૧૯ જીત્યું છે, જ્યારે ચેન્નઈ ૧૩ મૅચ જીત્યું છે.