SGCCI અને SGITBA ના સંયુક્ત ઉપક્રમે ઈનકમ ટેક્ષ સેક્શન 43 B(h) તેમજ MSME સમાધાન અને GST ITC રૂટ ઓફ ઓલ પ્રોબ્લેમ્સ વિશે સેમિનાર યોજાયો

SGCCI-14-05-2025

SGCCI અને SGITBA ના સંયુક્ત ઉપક્રમે ઈનકમ ટેક્ષ સેક્શન 43 B(h) તેમજ MSME સમાધાન અને GST ITC રૂટ ઓફ ઓલ પ્રોબ્લેમ્સ વિશે સેમિનાર યોજાયો

જૈનશિલ્પ સમાચાર, સુરત

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ધ સધર્ન ગુજરાત ઈનકમ ટેક્ષ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ એન્ડ ઈનડાયરેક્ટ ટેક્ષ વિષય પર સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે આયોજિત સ્ટડી સર્કલ સીરિઝના ભાગરૂપે ત્રીજા દિવસે બુધવાર, તા. ૦૭ મે ૨૦૨૫ના રોજ યોજાયેલા સેમિનારમાં નિષ્ણાંત વક્તા તરીકે CA મનિષ બજરંગ અને CA વિક્રાંત ઘાયેલ દ્વારા ઈનકમ ટેક્ષ સેક્શન 43 B(h) તેમજ MSME સમાધાન અને GST ITC રૂટ ઓફ ઓલ પ્રોબ્લેમ્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

CA મનિષ બજરંગે જણાવ્યું હતું કે, ‘ઈનકમ ટેક્ષનું સેક્શન 43 B(h) એપ્રિલ ૨૦૨૩ થી લાગુ થયું હતું, પરંતુ તે અંગે લોકોમાં જાગૃતતા જાન્યુઆરી ૨૦૨૪થી આવી હતી. સીએ પાસે જ્યારે વેપારીઓના બુક્સ ઓફ એકાઉન્ટ અથવા રિટર્ન્સ માટે ફાઈલ આવે છે, ત્યારે યોગ્ય એનાલિસિસ કરીને ક્યા સમયે વેપારીએ પેમેન્ટ કરવું જોઈએ તે જણાવી શકે છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘MSME સમાધાન પોર્ટલ પર રજિસ્ટર્ડ વેપારી અયોગ્ય વર્તણૂક માટે સામેના પક્ષ પર કેસ કરી શકે છે. પોર્ટલ થકી વેપારીઓ ઓનલાઈન કેસની કાર્યવાહીમાં જોડાઈ શકે છે. રૂ. ૨૫ કરોડથી ઓછું રોકાણ અને રૂ. ૧૦૦ કરોડથી ઓછું ટર્નઓવર હોય તો તેમણે MSME સમાધાન પોર્ટલના લાભ મળે છે.’

CA વિક્રાંત ઘાયેલે જણાવ્યું હતું કે, ‘જીએસટીના પ્રેક્ટીસકર્તાઓ દ્વારા ઘણીવાર બાયર-સપ્લાયરની અમાઉન્ટમાં મિસમેચ આવે છે. ગુજરાત રાજ્ય કલેક્શનમાં દેશમાં ત્રીજા ક્રમાંકે આવે છે. GST હેઠળ નોંધાયેલ વ્યક્તિ દ્વારા ITCનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો તે નિર્ધારિત બધી શરતો પૂરી કરે છે. વ્યાવસાયિક હેતુઓ માટે અથવા વ્યવસાયને આગળ વધારવા માટે ઉપયોગમાં લેવાતા તમામ ગુડ એન્ડ સર્વિસિસ માટે ITCનો દાવો કરી શકાય છે. ITC ફક્ત વ્યક્તિગત ઉપયોગ માટે, Exempt Supplies અને CGST કાયદા કલમ 17(5) હેઠળ ITC મળી શકશે નહીં.

ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીના સભ્ય CA શ્રી જનક પચ્ચીગરે સ્વાગત પ્રવચન કર્યું હતું. SGITBAના પ્રમુખ શ્રી કુલિન પાઠક અને ટેક્ષ પ્રોફેશનલ્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની ઈનકમ ટેક્ષ કમિટીના કો-ચેરમેન શ્રી દિપેશ શાકવાલાએ સેમિનારનું સંચાલન કર્યું હતું, જ્યારે SGITBAની મેનેજિંગ કમિટીના સભ્ય એડવોકેટ શ્રી તુષાર વકીલના અને એડવોકેટ જયશ્રી ગોવર વકીલનાએ વક્તાનો પરિચય આપ્યો હતો. SGITBAના પૂર્વ પ્રમુખ શ્રી અનિલ શાહ અને રેખાંક કાયસ્થે પ્રશ્નોત્તરી સેશનનું સંચાલન કર્યું હતું.  SGITBAની મેનેજિંગ કમિટીના સભ્ય એડવોકેટ શ્રી હરિકૃષ્ણ રૂપાવાલાએ ઉપસ્થિત સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.