તાપી નદી, કેનાલ કે તળાવમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાથી પાણી પ્રદૂષિત થાય છે તેને રોકવા મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ

jainshilp samachar

તાપી નદી, કેનાલ કે તળાવમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાથી પાણી પ્રદૂષિત થાય છે તેને રોકવા મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ

19 કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરી શકાશે, કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર 

સુરત ः નદી, તળાવ કે કેનાલમાં શ્રીજીની મૂર્તિ વિસર્જન કરાતું હતું પણ તેના કારણે આખી નદીમાં ઝેરી કેમિકલયુક્ત રંગો ભળતા હોવાથી વિવિધ રોગો થવાની ભીતિને કારણે એન.જી.ટી.ના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદી, તળાવ કે કેનાલમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કામગીરી પાલિકા જવાબદારીપૂર્વક સંભાળી રહ્યું છે જે આવકારદાયક છે. પાલિકાએ જુદા જુદા વિસ્તારમાં 19 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. જ્યારે મોટી પ્રતિમાને દરિયામાં વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું છે.  સુરતમાં આનંદ ચૌદસના દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જન માત્ર કૃત્રિમ તળાવમાં જ કરવાનું હોવાથી પાલિકા તંત્રએ શહેરના જુદા જુદા વિસ્તારમાં 19 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. આ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન બાદ વાહનમા પ્રતિમા લઈને દરિયામાં ફરીથી વિસર્જન કરવામાં આવશે. 
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની મુલાકાત લઈ અધિકારીઓ - કર્મચારીઓને જરૂરી સલાહ - સૂચન આપ્યા હતા. પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં પાંચ ફૂટથી ઓછી ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. સુરત શહેરમાં જ અંદાજે 50થી 60 હજાર જેટલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને આ તમામ પ્રતિમાઓ પૈકી 5 ફૂટ કે તેનાથી નાની પ્રતિમાનું વિસર્જન સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે. અત્યાર સુધી ગૌરી ગણેશ સહિત સાત હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું છે. જ્યારે ગણેશ વિસર્જનના દિવસે પાંચ ફુટથી મોટી પ્રતિમાઓના વિસર્જન માટે હજીરા ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ  વર્ષે મોટા ભાગના મંડળોએ નાની પ્રતિમાની પસંદગી કરી છે અને મોટાભાગના આયોજકો પોતાના મંડપમાં જ વિસર્જન માટે તૈયારી કરી રહ્યાં છે તેમ છતાં આ વર્ષે પાલિકાના કૃત્રિમ તળાવ પર વિસર્જન માટેનું ભારણ વધશે તે નક્કી છે. ગણેશ વિસર્જનની કામગીરી વધુ સરળતાથી પુરી થાય તે માટે આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની શહેરના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલા નાનપુરા ડક્કા ઓવારા પર બનાવેલા કૃત્રિમ તળાવની મુલાકાતે પહોંચી તકેદારી રાખવા સૂચના આપી હતી.