ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી કરવી યુવતીને કેવી રીતે ભારે પડી?
વાપી - લોકોએ સાવધાન થવાની જરૂરત છે અને પોતાના બાળકોને પણ સાવધ કરવાની જરૂરત ઊભી થઈ છે. વાપીમાં કોલેજની એક યુવતીએ ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા રાખવી ભારે પડી હતી. યુવકે યુવતીને આપઘાત કરી લેવાની ધમકી આપી બોલાવી તેની સાથે છેડતી કરી બળજબરીથી કિસ કરતા આ અંગે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. વાપીમાં એક પ્રતિષ્ઠિત કોલેજમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીની મિત્રતા થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે થઇ હતી. ત્યારબાદ આ યુવક અવાર-નવાર તેને ફોન કરતો હતો. થોડા સમય બાદ યુવકે યુવતીને પ્રેમસંબંધ માટે પ્રપોઝ કરતા તેણે આ માટે ના પાડતા યુવકે આપઘાત કરી લેવા જણાવતા યુવતીએ મજબૂરીમાં હા પાડી હતી. થોડા સમય બાદથી યુવતી તેનાથી દૂર થતા યુવક તેના ઘર નીચે જઇ અવાર-નવાર ફોન કરી હેરાન કરતો. જે અંગે યુવકના માતા-પિતાએ વાત કરતા તેઓ યુવતી સાથે ઝઘડો કરતા હતા. 20 સપ્ટેમ્બરે યુવતી સેલવાસથી ભીલાડ થઇ વાપી આવતી હતી. તે સમયે વખતે તેનો પીછો કરી તેની સાથે બળજબરીથી શરીર સાથે છેડતી કરી કિસ કરી લેતા ત્યાં માણસોને ભેગા થતા જોઇ યુવક ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ હેમખેમ ત્યાંથી સ્કૂટી લઇ યુવતી ઘરે પહોંચી હતી અને આ અંગે ડુંગરા પોલીસ મથકમાં આરોપી અનુભવ વિનોદ જયસ્વાલ રહે.સનરાઇઝ એપાર્ટમેન્ટ હરિયા હોસ્પિટલ રોડ છરવાડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.