ધરાઈ ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવા અને દલિતોને રક્ષણ પૂરું પાડવા બાબરા મામલતદારને આવેદનપત્ર

jainshilp samachar

અમરેલી જિલ્લા બાબરા તાલુકાના ધરાઈ ગ્રામ પંચાયતના સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને દલિતોને રક્ષણ પૂરું પાડવા તથા વિવિધ માંગ પૂરી કરવા સાથે બાબરા મામલતદારને બહુજન ટાઈગર સેનાએ આવેદનપત્ર સુપરત કર્યું છે. સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ પ્રવીણ રાઠોડે આવેદનપત્ર આપી જણાવ્યું છે કે ધરાઈ ગામમાં રહેતા અનુસૂચિત જાતિના ગંગાબેન ભલાભાઈ રાઠોડ અને તેમના પરિવારજનો ઉપર સરપંચે હોદ્દાનો દુરુપયોગ કરી જાતિવાદી માનસિકતા રાખી હિંસક હુમલો કરાવ્યો હતો. સરપંચ પરેશભાઈ ઈશ્વરભાઈ કાપડિયા, પરેશ ચંદુભાઈ સોરઠીયા અને જીસીબી અને ત્રણ ટ્રેક્ટરના ડ્રાઈવરોએ દલિત પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. ગંગાબેને પોતાની વાડી નજીક ખોદકામ કરવાની ના પાડતા ગોવિંદભાઈ ભીમાભાઈ મારુ, જસુબેન ગોવિંદભાઈ મારૂ, કમલેશભાઈ ગોવિંદભાઈ મારુ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને જાતિ વિશે  અપમાનિત કર્યા હતા. ગંભીર ઈજાને પગલે ગંગાબેને બાબરા પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે. હાલ જશુબેન તથા કમલેશભાઈ ગંભીર રીતે ઘવાયેલા હોવાથી અમરેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગંગાબેન તથા ગોવિંદભાઈ પણ ઘાયલ છે. આ બાબતે કેસ નબળો કરવા માટે ઇશ્વરભાઈ કાપડીયાએ ખોટી રીતનો ઉપજાવેલો લૂટ સહિત મારામારીનો ગુનો દાખલ કરાવ્યો છે.  આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે ભોગ બનનારા દલિત પરિવારના સભ્યને તાત્કાલિક હેડ ક્વાર્ટર પોલીસ રક્ષણ ફાળવવામાં આવે. એટ્રોસિટીની ફરિયાદમાં દલિત મહિલા ઉપર હુમલો કરી હાથ પકડી ધક્કો મારી પછાડી દેવામાં આવ્યા છે જેથી ફરિયાદમાં આઈ.પી.સી. કલમ 354, 120(બી)નો ઉમેરો કરવામાં આવે. એટ્રોસિટી ફરિયાદમાં ભોગ બનનારા પરિવારને પ્રશાસન તરફથી સહયોગ પૂરો પાડવામાં આવે. ધરાઈ ગ્રામપંચાયતના સરપંચ ઇશ્વર કાપડીયાને સસ્પેન્ડ કરવામાં આવે અને બીજી વખત ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે.  પરેશભાઈ તથા ચંદુભાઈ ગેરકાયદે ખનિજચોરી કરતા હોય ખનિજચોરીનો ગુનો દાખલ કરવામાં આવે અને ભોગ બનનારા પરિવારને ન્યાય આપવામાં આવે તેવી જુદી જુદી સામાજિક સંગઠનોના કાર્યકરો, બહુજન ટાઈગર સેના અને ભારતીય ટ્રાયબલ પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન શાખા દ્વારા માંગ કરાઈ છે.