માનવી આખી પૃથ્વીનો રાજા પણ બની જાય પણ પરમાત્મા તેને સેકન્ડમાં ધૂળ ચાટતો કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે

250-255-233-mahapralay

માનવી આખી પૃથ્વીનો રાજા પણ બની જાય પણ પરમાત્મા તેને સેકન્ડમાં ધૂળ ચાટતો કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે

લેખક - જયંતિ એમ. સોલંકી
આ પૃથ્વી પર સિકંદર જેવા કરોડો રાજા થઈ ગયા પણ કોઈ રાજાનું અસ્તિત્વ રહ્યું નથી ત્યારે સામાન્ય રાજાઓનું    અસ્તિત્વ રહેવાનું છે ખરું? આજે માનવી હું પણામાં જીવી રહ્યો છે, કહે છે હું આમ કરી શકું, હું તેમ કરી શકું, પણ અનંત બ્રહ્માંડોના સ્વામી પરમાત્માની પાસે કોઈનું કાંઈ જ ચાલતું નથી. ત્યારે માનવીનું શું ચાલી શકવાનું છે? આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો માનવી હંમેશા આખું જીવન હુંપણામાં પૂર્ણ કરી દેતો હોય છે. પણ તેને અનંત બ્રહ્માંડોના માલિકની ખબર નથી હોતી. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તેવી અનંત પૃથ્વીઓ બ્રહ્માંડમાં છે, અને આવા બ્રહ્માંડો પણ અનંત છે, તો તમે વિચારી શકો કે આપણું અસ્તિત્વ કેટલું છે. છતાંય માનવી આખું જીવન હુંપણામાં ગુમાવી દે છે તેને ક્યારેય અસલી પરમાત્માનો અહેસાસ થતો નથી અને અસલી પરમાત્માને તે ક્યારેય પામતો નથી. પરમાત્માની ઇચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી ત્યાં માનવી અહંકારમાં હંમેશા બકતો રહેતો હોય છે કે હું આમ કરીશ તો આમ થશે અને તેમ કરીશ તો આમ થશે પણ તેની આ વાણી ક્ષણભરમાં ધૂળમાં મળી જતી હોય છે તેની મરજી વગર તે જે કાંઈ કરે છે તે તમામ વ્યર્થ છે, અને તેણે ધાર્યું હોય તેનાથી જુદું જ થતું હોય છે અને તમામ પાસા ખોટા પડતા હોય છે, તેની કૃપા વગર કદી કાંઈ જ શક્ય નથી. તે પરમાત્મા એક અણુ છે તેના કરોડો ટુકડા કરી દેવામાં આવે અને પછી તેમાંનો એક ટુકડો વધે છે જે અતિ સૂક્ષ્મ છે તેના કરતાંય ઝીણો છે એટલે કે તેને પકડવો અસંભવ છે, અને તે ધારે તે કરી શકે, કરાવી શકવાની ક્ષમતા રાખે છે ત્યારે માનવી ૭૦ કે ૧૦૦ વર્ષ સુધીનું આયુષ્ય શા માટે અહંકારમાં જીવે છે તે એક સવાલ છે. તે ધારે તો એક સેકન્ડના સો માં ભાગમાં માનવીને ધૂળ ચટાડતો કરી શકે છે. આમ છતાંય આ પૃથ્વી પર માનવી અનેક પ્રકારના વિસ્ફોટો કરીને પોતે કેટલો શક્તિશાળી છે તે પુરવાર કરવા માટે પૃથ્વીનું નિકંદન કાઢી રહ્યો છે જે બિલકુલ અયોગ્ય છે. ફક્ત એક કોરોના વાયરસની જ વાત લઈ લો આ વાયરસે માનવીને કેવો પરચો બતાવ્યો હતો તે સૌ કોઈ જાણે છે, આ માનવીને સુધરવા માટે પરમાત્મા તરફથી એક મોકો, એક અવસર મળી ગયો હતો પણ જો આમ છતાંય માનવી હજી નહીં સુધરશે તો આવનારા સમયમાં અતિ ભયંકર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. માનવી ફક્ત પોતાના અસ્તિત્વનો જ વિચાર કર્યા કરશે, પર્યાવરણ બચાવવાનો વિચાર નહીં કરે તો તેણે તેનો દંડ ભોગવવો જ પડશે. આ પૃથ્વી પર તમામ જીવોને જીવવાનો અધિકાર છે ફક્ત માનવી જ જીવવો જોઈએ તેવો વિચાર કરવો એ પણ પોતાના પગ પર કુહાડી મારવા સમાન જ બાબત છે. પરમાત્મા ધારે તો પૃથ્વીમાં એક ધ્રૂજારા માત્રથી પૃથ્વીને પાણીમાં ગરક કરવાની ક્ષમતા રાખે છે ત્યારે માનવીએ તેનો વિચાર કરીને સમગ્ર પૃથ્વી પરની માનવજાતિ સહિત વૃક્ષો, પ્રાણીઓ, જીવ-જંતુઓ શાંતિથી જીવે તેવા પ્રયાસો કરવા જોઈએ.