ઈ-બાઈક અચાનક સળગી ઉઠી, દ્વારકામાં બની આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના
દ્વારકા : દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયામાં ઈ-બાઈક અચાનક સળગી ઉઠતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. ઈ-બાઈક પર સવારી કરવાની કે નહીં તે અંગે વિમાસણમાં પડી ગયા છે. સૂત્રો અનુસાર ખંભાળિયાના બેઠક રોડ પાસે આવેલા પુલ ઉપર એક ઇ-બાઇક સળગી ઉઠી હતી. અચાનક જ ઈ-બાઇક સળગી ઉઠતા સમયસૂચકતા વાપરતા બાઇકચાલકનો આબાદ રીતે બચાવ થયો હતો. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. જોકે, આગ લાગવાની ઘટનામાં આખી બાઈક સળગી ઉઠી હતી, માત્ર તેનું હાડપિંજર જોવા મળતું હતું. આગની ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી, ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચી આગ ઓલવી હતી. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકો ઈ-બાઈક તરફ વળ્યા છે. એકવાર ચાર્જ કર્યા બાદ આ બાઈક લાંબો સમય સુધી રસ્તા પર દોડે છે. આ કારણે લોકો હવે ઈ-બાઈક તરફ વળ્યા છે. પરંતુ ઈ-બાઈકમાં શોર્ટ સર્કિટ થવાના અનેક કિસ્સા બનતા હોય છે. આ પહેલા કચ્છના અંજારમાં એક રહેણાંક મકાનમાં ઈ-બાઈક ચાર્જ કરવા દરમિયાન અચાનક બેટરીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં મોટાભાગનું ઘર આગમાં હોમાયું હતું. જેમાં લાખોના નુકસાનાથી મધ્યમવર્ગીય પરીવારે મુશ્કેલી વેઠવી પડી હતી.