પગાર 54 હજાર છતાંય રાંદેરનો એએસઆઈ 2000ની લાંચમાં ઝડપાયો

randerASI

સુરત - મહિને 54 હજાર પગાર મેળવતા રાંદેર પોલીસ સ્ટેશનના એએસઆઈ સતીષ પટેલ 2 હજારની લાંચમાં એસીબીના છટકામાં પકડાઈ ગયા છે. કાપડના વેપારીને ધરપકડ વોરંટમાં હેરાન ન કરવા માટે રૂ.2 હજારની લાંચ મંગાઈ હતી. રાંદેર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીનો કોર્ટમાંથી ધરપકડ વોરંટ ઇશ્યુ થયું હતું. આથી રાંદેર પોલીસના એએસઆઈ સતીષ ડાહ્યા પટેલ (52) (રહે, ભગુનગર, મોરાભાગળ, રાંદેર, મૂળ રહે, બરબોધનગામ, ઓલપાડ) વેપારીના ઘરે ધરપકડ વોરંટની બજાવણી કરવા ગયો હતો. 

વેપારીને હેરાન ન કરવા અને ધરપકડ વોરંટની બજાવણી ન કરવા માટે લાંચીયા એએસઆઈ સતીષે 2 હજાર માંગ્યા હતા. આથી વેપારીએ બુધવારે એસીબીનું છટકું ગોઠવી લાંચીયા સતીષને રાંદેર જિલાની બ્રીજ નીચે ચાની કીટલી સામેથી 2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે. એસીબીની ટ્રેપને પગલે એએસઆઈનો પસીનો છુટી ગયો હતો. રાંદેર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ સતીષ પટેલ સમન્સ વોરંટ બજાવવાની કામગીરી કરે છે. અને તેમને રિટાયર થવાના 6 વર્ષ બાકી હતા.

 એસીબીએ એએસઆઈ સતીષ પટેલની મોડી રાતે ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે. અગાઉ વેપારીને વોરંટની બજાવણી કરવા ગયા ત્યારે પણ લાંચીયા એએસઆઈ સતીષ પટેલ 2-3 વાર 2 હજારની રકમ લઈ આવ્યા હતા. નોંધનીય વાત એ છે કે, એએસઆઈનો માસિક વેતન 54 હજાર છે. 

રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અને અન્ય 6 પોલીસકર્મીઓ અઠવાડિયા પહેલા કાપડના વેપારીના ઘરે મોડી રાતે તપાસ માટે ગયા હતા. વેપારી મળી આવ્યો ન હતો પરંતુ વેપારીના પરિવાર સાથે પોલીસે ખરાબ વર્તન કર્યુ હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. વેપારીના ઘરનું ચેકિંગ પણ કર્યું હતું. 

https://youtu.be/V_emY7pvCTs