અમદાવાદમાં સાળાએ બનેવીને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદમાં સાળાએ બનેવીને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ - અમદાવાદના વટવા વિસ્તારમાં સાળાએ બનેવીને સંખ્યાબંધ છરીના ઘા મારીને બહેનના ઘર નજીક ઘાયલ અવસ્થામાં ફેંકીને જતો રહ્યો હતો. લોહીલુહાણ હાલતમાં બનેવીનું મોત થયું હતું. બનેવીની હત્યા પાછળનું કારણ થોડા દિવસ અગાઉ બહેને ભાઈને કહ્યું હતું કે, તારા બનેવી રૂપિયા માટે ઝઘડો કરે છે જે અંગે અદાવત રાખીને સાળાએ હત્યાને અંજામ આપ્યો હતો. હવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો અનુસાર, વટવા વિસ્તારમાં રહેતા રંજનબેન સુરેશ મારવાડીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ સુરેશભાઈને તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં ઘર પાસે નાખીને જતો રહ્યો હતો. સુરેશભાઈને ખૂબ લોહી નીકળ્યું હતું જેના કારણે તેમનું મોત થયું હતું. રંજનબેનનો ભાઈ મુકેશ ડાભીએ તેના બનેવીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘર પાસે નાખી ગયો હતો.

મુકેશ ડાભીને થોડા દિવસ અગાઉ રંજનબેને કહ્યું હતું કે, તારા બનેવી સુરેશની આવક સારી નથી અને રૂપિયા બાબતે સતત ઝઘડો કરે છે. જે વાત મુકેશે સુરેશભાઈને કહીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન મુકેશે 'મારી બેન સાથે કેમ ઝઘડો કરે છે?' કહીને પોતાની પાસેના હથિયારના ઘા સુરેશભાઈની છાતીમાં મારી દીધા હતા. જેમાં સુરેશનું મોત થયું હતું. આ અંગે પોલીસે હાલ મુકેશની ધરપકડ કરી છે.