લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં પતિની હાજરીમાં જ 20 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ, 4 પકડાયા
મુંબઈ - મહારાષ્ટ્રમાં લખનઉ-મુંબઈ એક્સપ્રેસમાં 20 વર્ષીય મહિલા સાથે ગેંગરેપ કરાયો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં શનિવારે ચાર આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય ચાર આરોપીની તલાશ શરૂ છે.
મુંબઈમાં જીઆરપી કમિશનર કૈસર ખાલિદે જણાવ્યું હતું કે ઈગતપુરીથી પુષ્પક એક્સપ્રેસમાં 8 અસામાજિક તત્ત્વો મુસાફરી કરી રહ્યાં હતાં. તેમણે ચાલુ ટ્રેનમાં લૂંટફાટ કરી હતી અને એક મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહિલા તેના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. આ ઘટના શુક્રવાર રાતની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ કેસમાં કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. રેલવે પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઔરંગાબાદ રેલવે ડિસ્ટ્રિક્ટમાં આવેલા ઈગતપુરીથી સ્લીપર કોચ નંબર ડી-2માં આવ્યા હતા. તેમણે ઈગતપુરીથી કલ્યાણ વચ્ચે લૂંટફાટ કરી હતી તેમજ એક મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું.
આરોપીઓએ વધુ આતંક મચાવતા 15થી 20 યાત્રી સાથે લૂંટફાટ કરી હતી. તેમણે યાત્રીઓ પાસેથી કેશ, મોબાઈલ અને કીમતી સામાન ઝૂંટવી લીધો હતો. રેલવે પોલીસે આ કેસમાં આઈપીસી અને ભારતીય રેલવે એક્ટની કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે.