SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો - ૨૦૨૬’ યોજાશે
sgcci26626
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે – ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલા
આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સને વુવન, નીટેડ, ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા ૧,૦૦૦થી વધુ બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે
જૈનશિલ્પ સમાચાર, સુરત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સનું અગાઉ ‘વિવનીટ એક્ઝિબિશન’ના નામથી પ્રખ્યાત અને સફળ રહેલ એક્ઝિબિશન હવે ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોના નામથી ઓળખાશે. નામને અર્થસભર બનાવતા ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનો ઉદ્દેશ્ય શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિક્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ અને ગારમેન્ટ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. આ એક્ઝિબિશન થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. અગાઉના વિવનીટ એક્ઝિબિશનને મળેલી જબરદસ્ત સફળતાને પગલે આ વર્ષે એક્ઝિબિશનનું પાંચમું એડીશન ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ સુરતના મેન્યુફેક્ચરર્સને માત્ર સુરત કે ભારત પૂરતુ મર્યાદિત ન રાખતા તેમને વૈશ્વિક એટલે કે લોકલ ટુ ગ્લોબલ કરવાનો છે.
આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક પણ જોવા મળશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષે યોજાયેલા વિવનીટ એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સને છ મહિનામાં જ રૂપિયા ૪૫૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે એકિઝબિશન મોટા પાયે થવા જઈ રહ્યું છે, ત્યારે એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ટેક્ષ્ટાઈલ મેન્યુફેક્ચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે, આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને ક્વોલિટીઓ આપવામાં આ એક્ઝિબિશન મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ શુક્રવારે, તા. ૨૬ જુન ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ (UKM), સરસાણા ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદઘાટક તરીકે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી જયરામ ગામિત ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્લોબલ પ્રેસિડેન્ટ (બિઝનેસ ડેવલપમેન્ટ) શ્રી મૃગન થેન્કોન્ડાર, અજમેરા ફેશન લિમિટેડના સીઈઓ અને સંસ્થાપક શ્રી અજય અજમેરા, સર્જન ઈન્ટરનેશનલના સંસ્થાપક શ્રી અમિત ડોબરિયા, બોમ્બે ડાઈંગના મેનેજર શ્રી રજનેશ દત્ત અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયાના પીલરલેસ એસી હોલમાં યોજાનાર ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં સુરત ઉપરાંત ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની સાથે ચીનના શેન્ગઝુહો શહેરના મળીને કુલ ૨૦૦ જેટલા એક્ઝિબિટર્સ ભાગ લેશે. આ એક્ઝિબિશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઈનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેક્ચરર્સ, સ્પેશિયલ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ મેન્યુફેક્યરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ એક્ઝિબિશનમાં ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઈરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા ૨૫,૦૦૦થી વધુ બીટુબી બાયર્સ અને વિઝીટર્સ સામે પોતાની પ્રોડક્ટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.
ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એક્ઝિબિશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, ડિજિટલ પ્રિન્ટ અને ફેન્સી પ્રિન્ટ ફેબ્રિક અને ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સ નવી પ્રોડક્ટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડક્ટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો– ર૦ર૬ના ચેરમેન શ્રી હરેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે. તદુપરાંત, ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેક્નિકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
આ એક્ઝિબિશનમાં બાયર્સને મેન્યુફેક્ચરર ડાયરેક્ટ ફેક્ટરીથી ફેબ્રિક પર્ચેસ કરવાની તક મળશે. સાથે લેટેસ્ટ ટેક્નોલોજીના નવા-નવા સેમ્પલ જોવા મળશે. એરજેટ, ડિજિટલ પ્રિન્ટ, શીફલી મશીન અને બીડસ એમ્બ્રોઈડરી મશીન્સમાંથી બનાવવામાં આવેલ ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે.


