બારખાંધિયા ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો, લોકોમાં ગભરાટ
સાપુતારા, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવેશ જેનો કરાયો છે તે વઘઇ બારખાંધિયા પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ખોરાકની શોધમાં એક કદાવર દીપડો ચઢી આવ્યો હતો. લોકોને અવાર-નવાર નજરે ચઢતા સ્થાનિકોમાં ગભરાટ છવાયો છે. ત્યારે ખોરાકની શોધમાં દીપડો રમેશભાઇ બેડુભાઇ દેશમુખના વાડામાં આવી ચઢ્યો હતો. દીપડો વાડામાં આવી ચઢતાં જ જેની જાણ રમેશભાઇ દેશમુખને થઈ હતી. રમેશભાઇએ દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો પણ ગુસ્સે ભરાયેલાં કદાવર દીપડાએ રમેશભાઇ દેશમુખ પર પંજો મારીને ઘાયલ કરી દીધા અને જંગલમાં રફુચક્કર થઇ ગયો હતો. દીપડાએ હુમલો કર્યાની વાત વાયુવેગે સમગ્ર ગામમાં ફેલાતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જ્યારે દિપડાના હુમલાથી ગંભીર રીતે ઘવાયેલા ખેડૂત રમેશભાઇ દેશમુખને ૧૦૮ મારફતે વઘઇ સીએસસી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયારે દીપડાના આ પ્રકારના ધોળા દિવસના હુમલાને લઈ તંત્રની ચિંતામાં વધારો થયો છે. હુમલાને લઇ કદાવર દીપડો માનવભક્ષી બને એ પહેલા વન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે બારખાંધિયા ગામે પાંજરુ મુકી કદાવર દીપડાને પાંજરે પુરવા માટે તજવીજ હાથ ધરી છે.