કૃષિ- કાયદો પાછો ખેંચાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ઉજવણી કરી

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર - સુરત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. મોદી સરકાર ગત વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે 3 કાયદા લાવી હતી પરંતુ અનેક ખેડૂત સંગઠનો સતત આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, "કૃષિમાં સુધારા માટે 3 કાયદા લાવવામાં આવ્યા હતા જેથી નાના ખેડૂતોને વધારે તાકાત મળે. વર્ષોથી દેશના ખેડૂતો અને નિષ્ણાંતો, અર્થશાસ્ત્રીઓ તેની માગણી કરી રહ્યા હતા. જ્યારે આ કાયદા લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામ, ગરીબના હિતમાં સંપૂર્ણ સમર્થન ભાવથી, સારી ભાવનાથી આ કાયદા લઈને આવી હતી. પરંતુ  સંપૂર્ણપણે ખેડૂતોના હિતની વાત અમે કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાતચીતનો પ્રયત્ન કર્યો. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો. અમે કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનો નિર્ણય લીધો." આ સાથે જ વડાપ્રધાને ખેડૂતોને વિનંતી કરી હતી કે, તેઓ તેમના ઘરે પરત ફરે, ખેતરોમાં પાછા જાય, પરિવાર વચ્ચે પાછા જાય, એક નવી શરૂઆત કરવામાં આવે. દક્ષિણ ગુજરાતના ખેડુતોએ પીએમ મોદીના નિર્ણયને આવકારતા ફટાકડા ફોડી મોં મીઠું કરવા ઉજવણી કરી હતી. બીજી બાજુ ખેડુતો આંદોલન પુરુ નહીં કરે અને હજુ પણ જે માંગ કરાઈ છે તેને લઈને વિરોધ યથાવત રહેશે.