SGCCI અને સુરત જિલ્લા સહકારી સંઘના સંયુકત ઉપક્રમે સહકારી સંસ્થાઓને વધુ સશકત કરવા હેતુ બારડોલી ખાતે ‘સફર સમૃદ્ધિની’કાર્યક્રમ યોજાયો*

Sgcci1

SGCCI અને સુરત જિલ્લા સહકારી સંઘના સંયુકત ઉપક્રમે સહકારી સંસ્થાઓને વધુ સશકત કરવા હેતુ બારડોલી ખાતે ‘સફર સમૃદ્ધિની’કાર્યક્રમ યોજાયો*

*આંતરરાષ્ટ્રીય દેશો સાથે સહકારી સંસ્થાઓને કેવી રીતે જોડીને ભારતીય પ્રોડકટનું એક્ષ્પોર્ટ વધારી શકાય તે હેતુથી યોજાયેલા પરિસંવાદમાં ચાર દેશો જેવા કે માલ્ટાના હાઇ કમિશ્નર, બેલારૂસના ફર્સ્ટ સેક્રેટરી, ઇન્ડોનેશિયાના ટ્રેડ એટેચી અને નેપાળના મિનિસ્ટર ઇકોનોમિક ઉપસ્થિત રહયા*

*ભારત દેશમાં રૂરલ ઇકોનોમીનું સ્થાન ખૂબ મજબુત છે. સહકારીતાના મોડલને અનુસરીને રૂરલ ઇકોનોમીનું સુઆયોજિત રીતે વિશ્વની સાથે જોડાણ કરી શકાય છે : સાંસદ શ્રી પરભુભાઇ વસાવા*

*સહકારીતાના માધ્યમથી જ દેશમાં સમૃદ્ધિ લાવવા પ્રયાસ કરવા પડશે, આ દેશમાં આવેલી પ્રથમ હરીત ક્રાંતિમાં સૌથી વધુ યોગદાન સહકારીતાનું હતું : IFFCOના માર્કેટીંગ ડિરેકટર શ્રી યોગેન્દ્ર કુમાર*

*સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સુરત જિલ્લા સહકારી સંઘના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૪ ઓગષ્ટ ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦ કલાકે બારડોલી ખાતે સુરત જિલ્લા સહકારી સંઘ ખાતે ‘સફર સમૃદ્ધિની’વિષય પર આંતરરાષ્ટ્રીય દેશો સાથે સહકારી સંસ્થાઓને કેવી રીતે જોડી શકાય તે વિશે પરિસંવાદ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી પરભુભાઇ વસાવા ઉપસ્થિત રહયા હતા.

આ પરિસંવાદમાં ચાર દેશો જેવા કે માલ્ટાના હાઇ કમિશ્નર હીઝ એકસીલન્સી મિ. રૂબેન ગૌસી, બેલારૂસના ફર્સ્ટ સેક્રેટરી મિ. અલિઝાન્ડર ઝાઇકો, ઇન્ડોનેશિયાના ટ્રેડ એટેચી મિ. મોહંમદ ઇકબાલ જમીલ અને નેપાળના મિનિસ્ટર ઇકોનોમિક શ્રી તારા નાથ અધિકારી ઉપરાંત IFFCO (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો–ઓપરેટીવ)ના માર્કેટીંગ ડિરેકટર યોગેન્દ્ર કુમાર અને ગુજરાતના સ્ટેટ માર્કેટીંગ મેનેજર શ્રી નિગમ ગજેરા તેમજ બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી પ્રદીપ અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા.

SGCCIના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ કાર્યક્રમમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આ દેશનું દરેક ગામડું સમૃદ્ધ બનશે ત્યારે આપણો દેશ ખૂબ જ ઝડપી રીતે પ્રગતિ કરશે. દેશના વિકાસ માટે રૂરલ ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે, આથી જ સરકાર પણ હવે ગામડાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તે દિશામાં હવે સૌ કોઇ કાર્ય કરી રહયા છે. ગામડાઓમાં રોજગાર વધે તે દિશામાં પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોગ્ય પ્લાનિંગ સાથે પ્રયાસ કરવામાં આવી રહયા છે. ગામડાઓની મહિલાઓ ઘર – પરિવારને સંભાળવાની સાથે સાથે ગારમેન્ટ બનાવી શકે તે માટે તેઓને ટ્રેઇનીંગ આપવાનું પણ ચેમ્બર વિચારી રહયું છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં આશરે ૮ લાખથી વધુ સહકારી સંસ્થાઓ છે, જે દેશના GDPમાં લગભગ ર૦થી રપ ટકાનું યોગદાન આપે છે. ખાસ કરીને ડેરી, હેન્ડીક્રાફટ અને ઓર્ગેનિક ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ભારતની સહકારી સંસ્થાઓ થકીનું એક્ષ્પોર્ટ વાર્ષિક ૧પથી ર૦ ટકા વધી શકે છે. ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશ, મેક ઈન ઈન્ડિયા જેવી સરકારી યોજનાઓ, સહકારી ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે બનાવવામાં આવી છે. જેમાં વન ડિસ્ટ્રિકટ વન પ્રોડકટ માટે સરકારના પ્રયાસોનો લાભ સહકારી સંસ્થાઓ દ્વારા તેમના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવા માટે લઈ શકાય છે. તેમણે વ્યાવસાયિક કુશળતા વધારવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગીદાર સૌને અનુરોધ કર્યો હતો.

સુરત જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી ભીખાભાઇ પટેલે પણ કાર્યક્રમમાં સર્વેને આવકારી ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના સહકારી સંઘોની પ્રવૃત્તિઓ વધારવા માટે તેમજ સભ્યોને વધુ વેપાર મળી શકે તે દિશામાં ખાસ પ્રયાસો કરવામાં આવશે. સહકારી સંસ્થાઓને વિવિધ દેશો સાથે જોડી શકાય તે માટે આંતરરાષ્ટ્રીય વેપારની દૃષ્ટિએ તેઓને વધુ મજબુત કરવાનો પ્રયાસ બારડોલી ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ દિશામાં SGCCIની સાથે મળીને વધુમાં વધુ કાર્યક્રમો કરાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મુખ્ય મહેમાન સાંસદ શ્રી પરભુભાઇ વસાવાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના ૭૭થી વધુ વર્ષ બાદ પ્રથમ વખત માનનીય શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પુણ્ય ભૂમિ બારડોલી જેવા ટાઉનમાં, ચાર કે તેથી વધુ વિદેશી ડિપ્લોમેટ્‌સનું આગમન થાય તેવી આજની વિરલ ઘટનામાં સાક્ષી થવાનું મને સદ્‌ભાગ્ય સાંપડયું તે બદલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સુરત જિલ્લા સહકારી સંઘનો ખાસ આભારી છું. સહકારી ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય ફલક પર મુકવા માટે ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત દેશમાં રૂરલ ઇકોનોમીનું સ્થાન ખૂબ મજબુત છે. સહકારીતાના મોડલને અનુસરીને રૂરલ ઇકોનોમીનું સુઆયોજિત રીતે વિશ્વની સાથે જોડાણ કરી શકાય છે. આ ઉદ્દેશ્યથી આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના વિઝનથી ભારતમાં સહકારીતાનું અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. શ્રી અમિતભાઇ શાહના સતત માર્ગદર્શન હેઠળ આ સહકારીતા મંત્રાલય દિવસે ન દિવસ નવા આયામ સર કરી રહયું છે અને આ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓનું તુરંત જ નિવારણ લાવી ભારતના ગામડાઓને વિશ્વની સાથે જોડવાનું સીમાચિહ્‌નરૂપે કામ કરી રહયું છે.

તેમણે જણાવ્યું હતું કે મને ચોકકસપણે વિશ્વાસ છે કે, આ કાર્યક્રમ બાદ આપણા જિલ્લાની દરેક સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે વેપાર વધશે. હવે પછી આવા કાર્યક્રમનું નિયમિત આયોજન થશે અને એના માટે જરૂરી માર્ગદર્શન અને આવશ્યક સુવિધાઓ પુરી પાડવા માટે હું પ્રયત્નશીલ રહીશ. વધુમાં, આ કાર્યક્રમની જાણ અને ફળશ્રૃતિ બાબતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી તથા શ્રી અમિતભાઇ શાહ સાથે પણ ચર્ચા કરીશ.

IFFCO (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો–ઓપરેટીવ)ના માર્કેટીંગ ડિરેકટર શ્રી યોગેન્દ્ર કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સહકારીતાના માધ્યમથી જ દેશમાં સમૃદ્ધિ લાવવા પ્રયાસ કરવા પડશે. આ દેશમાં આવેલી પ્રથમ હરીત ક્રાંતિમાં પણ સૌથી વધુ યોગદાન સહકારીતાનું જ હતું. અન્ન માટે આપણે આત્મનિર્ભર બન્યા છે તેમાં પણ સહકારી સંસ્થાઓનો ફાળો મહત્વનો રહયો છે. સહકારી મંત્રી શ્રી અમિતભાઇ શાહે સહકારી ઉત્પાદનોના એક્ષ્પોર્ટ માટે કમિટી બનાવી છે. ખેડૂતો અને સહકારી સંસ્થાઓની આવક વધે તે માટે નેચરલ ખેતી કરવા અને જૈવિક ઉત્પાદનો લેવા પ્રોત્સાહન આપવા સંસ્થા બનાવવામાં આવી છે. તેમણે કહયું હતું કે, બીજની ગુણવત્તા વધશે તો ઉત્પાદન આપોઆપ વધશે. એના માટે ભારતીય બીજ સહકારી લિમિટેડ દ્વારા પ્રયાસ કરાઇ રહયો છે અને તેની શરૂઆત પણ ગુજરાતથી થઇ ચૂકી છે.

આ પરિસંવાદમાં માલ્ટાના હાઇ કમિશ્નર હીઝ એકસીલન્સી મિ. રૂબેન ગૌસી, બેલારૂસના ફર્સ્ટ સેક્રેટરી મિ. અલિઝાન્ડર ઝાઇકો, ઇન્ડોનેશિયાના ટ્રેડ એટેચી મિ. મોહંમદ ઇકબાલ જમીલ અને નેપાળના મિનિસ્ટર ઇકોનોમિક શ્રી તારા નાથ અધિકારીએ તેઓના દેશો સહકારી સંસ્થાઓ સાથે જોડાઇને કેવી રીતે વેપાર વધારી શેક છે તે અંગે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન સીએ મિતિષ મોદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં બારડોલીના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, વિવિધ સહકારી સંસ્થાઓ અને મંડળીઓના હોદ્દેદારો અને સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. સુમુલ ડેરીના ડિરેકટર શ્રી જયેશભાઇ પટેલે (દેલાડ) ઉપસ્થિત સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.