સ્વાસ્થ્ય માટે લાભકારી એવું બિલીપત્ર
ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્
ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥
બિલિપત્ર શિવજીને ખૂબ જ પ્રિય હોવાનું મનાય છે. બિલિ પત્રના ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવનું પ્રતીક હોવાનું કહેવામાં આવે છે. તે ભગવાન શિવની ત્રીજી આંખનું પ્રતીક છે. તેને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને શિવપૂજનમાં પણ બિલિપત્રનો અવશ્ય સમાવેશ કરવામાં આવે છે. એ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહિ, પણ આરોગ્યની દૃષ્ટિએ પણ બિલિપત્ર ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ બિલિપત્રમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. તેના ત્રણ પત્રમાં સત્વ, રજસ અને તમસ એમ ત્રણે ગુણો રહેલા હોય છે. સત્વ એ પોઝિટિવ એનર્જી છે જ્યારે રજસ અને તમસ નેગેટિવ એનર્જી છે. એવુ માનવામાં આવે છે કે બિલિપત્રનો મધ્યભાગ સત્વ અર્થાત્ પોઝિટિવ એનર્જીને આકર્ષે છે. જો કોઈ નેગેટિવ એનર્જીની અસરવાળી વ્યક્તિ પણ બિલિપત્રને સ્પર્શે તો તેનામાં પોઝિટિવ એનર્જી આવી જાય છે.
બિલિ વૃક્ષના મૂળ, પાન, ફળ અને વૃક્ષના બધા જ ભાગ વિવિધ રોગોનાં ઉપચારમાં ઉપયોગી છે. આ પવિત્ર વૃક્ષ પેઢામાંથી લોહી નીકળતુ હોય, ડાયેરિયા, અસ્થમા, કમળો, લોહીની ઉણપ જેવા અનેક રોગોમાં ખૂબ જ મદદરૂપ છે. ડાયેરિયાની સમસ્યા હોય તો બિલિના ફળને સૂકવીને તેનુ સેવન કરવુ જોઈએ. પાઈલ્સ થયા હોય કે પછી કોઢની સમસ્યામાં પણ બિલિફળના પાવડરનું સેવન કરવુ જોઈએ. આંખ અને કાનના રોગોમાં પણ બિલિફળ ઘણું અસરકારક છે. જૂના જમાનામાં ફ્રેક્ચર થયુ હોય તો વૈદ્યો બિલિના પાવડરમાં હળદર અને ઘી મિક્સ કરીને તૂટી ગયેલા હાડકા પર લેપ કરતા હતા. કબજિયાતની સમસ્યા નીવારવા માટે બિલિનું ફળ એ ખૂબ જ અસરકારક ઈલાજ છે. બિલિના ફળના માવામાં થોડી કાળી મરી અને મીઠુ ઉમેરવાથી આંતરડામાંથી ઝેરી તત્વો શરીરની બહાર ફેંકાઈ જાય છે. કબજિયાતની સમસ્યા માટે બિલિફળનું શરબત પણ લઈ શકાય છે. બિલિ ફળમાં એવા તત્વો હોય છે જે લોહીમાં શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે. તે પેનક્રિઆસને સક્રિય બનાવે છે અને શરીરમાં ઈન્સ્યુલિન જનરેટ કરે છે જેને કારણે ડાયાબિટિસના દર્દીની શુગર કંટ્રોલમાં રહે છે. વૈદ્યની સલાહ પછી જ બિલિનો જે-તે પ્રયોગ કરવો જોઈએ.
બિલિમાં એવા તત્વો છે જેમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ રહેલા છે અને તે પેટમાં પડેલા ચાંદામાં ઘણી રાહત આપે છે. તે શરીરમાં એસિડનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત શરીરમાં વાયરલ ઈન્ફેક્શન ફેલાયુ હોય તો પણ બિલિફળ ઘણી રાહત આપે છે.
વિટામિન સીની ઉણપને કારણે ઘણા લોકોને દાંત અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા થતી હોય છે. બિલિફળમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. જેને કારણે તે ખાવાથી સ્કર્વી કે પેઢા-દાંતમાંથી લોહી નીકળવાની સમસ્યામાંથી છૂટકારો મળે છે. લાઈફસ્ટાઈલને કારણે ઊંચો કોલેસ્ટ્રોલ એ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. બિલિફળમાં રહેલા તત્વો શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે. જો પાકેલા બિલિફળમાં ઘી મિક્સ કરીને તેને ભોજન સાથે લેવામાં આવે તો હૃદયરોગનું જોખમ ઘટે છે. હૃદયરોગથી બચવા માટે વૈદ્યો વર્ષોથી આ ઉપચાર કરતા આવ્યા છે. આ ઉપરાંત તે શ્વસનતંત્રના રોગ, શરદી વગેરેમાં પણ ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે. તેના ફળનો માવો નહાતા પહેલા માથામાં લગાવવામાં આવે તો શરદીથી છૂટકારો મળે છે. શરીરમાં કોઈ પણ ભાગે સોજો આવ્યો હોય તો તેના પર બિલિ ફળનો ગર લગાવવાથી સોજા તરત જ ઉતરી જાય છે. બિલિનું વૃક્ષ એ અત્યંત મહત્વનું વૃક્ષ છે.
સ્વાસ્થ્ય માટે લાભકારી એવું બિલીપત્ર
ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્
ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)