ગોળીગઢનો મેળો અને લોકવાયકા
jainshilp samachar
કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચી જતાં ગત વર્ષે ગોળીગઢના મેળાનો આનંદ માણી શકાયો નહોતો. લાગલગાટ 2 વર્ષ ગોળીગઢનો મેળો બંધ રહ્યા બાદ હવે ચાલુ વર્ષે મંજૂરી મળતા ભક્તો અને ગ્રામજનોમા ઉત્સાહ જોવા મળ્યો. હોળીના આગલા રવિવારના રોજ મહુવાના વાંસકુઈ ગામે દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાતો હોય છે.
બાપુના મંદિરે માનતા ચઢાવવા દૂર દૂરથી લોકો આવતા હોય છે.
ગોળીગઢના મેળાની લોકવાયકા એવી છે કે વાંસકુઇ ગામમાં 2 ભાઈઓ રહેતા હતા. તેઓ હાલ જ્યાં મંદિર છે, તે જગ્યા પર ઢોર ચરાવવા માટે આવતા હતા. આ જગ્યા પર બેસીને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગોના દર્દીઓને આયુર્વેદિક દવા આપતા હતા. તેમની દવાથી આવા રોગ દૂર થઈ જતાં હતા. વર્ષો સુધી દવા આપ્યા બાદ એક ભાઈ હોળીના પહેલા આવતા રવિવારે મૃત્યુ પામ્યા અને ત્યારબાદ બીજાભાઈનું પણ બીજા વર્ષે હોળીના પહેલા રવિવારે જ મૃત્યુ થયું હતું. બંનેના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળીયા બનાવી પુજા અર્ચના શરૂ કરી હતી, અને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગ થાય તો બાધા માનતા રાખવા લાગ્યા. રોગ સારો થતાં જ લોકો અહીં આવીને માનતા પૂરી કરી જતાં હતાં. આ પરંપરાને લઈ સમગ્ર દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતા માની હોળીના પહેલા આવતા રવિવારે ભરાતા મેળામાં માનતા પૂરી કરવા ઉમટી પડે છે.