અઠવાલાઈન્સ નજીક કોર્ટ બિલ્ડિંગ સામે હત્યા

murder in surat

અઠવાલાઈન્સ નજીક કોર્ટ બિલ્ડિંગ સામે હત્યા

સુરતઃ અઠવાલાઇન્સ કોર્ટ બિલ્ડિંગની સામે ગત રોજ બપોરે હત્યા કેસના આરોપીને બે અજાણ્યા યુવાનોએ ઉપરા છાપરી છરીના ઘા ઝીંકીને મર્ડર કરી નાંખ્યું હતું. હત્યા કરીને ફરાર થયેલા બંને યુવાનો કરણસિંઘ રાજપુત અને ધીરજ નામના યુવાનો હોવાનું પોલીસને જાણવા મળતાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંનેને ભરૂચ નજીકથી મોડી સાંજે ઝડપી પાડ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ઉમરા પોલીસના કહેવા મુજબ, સુરતના છેવાડે સચિન વિસ્તારમાં ગત ઓગસ્ટ માસમાં દુર્ગેશ ઠાકોર નામના 22 વર્ષના યુવાનની હત્યા થઇ હતી. આ હત્યા કેસમાં સૂરજ યાદવ સહિત તેના બે સાગરિત ઝડપાયા હતા. દુર્ગેશ ઠાકોર હત્યા કેસમાં સૂરજ હાઇકોર્ટમાંથી જામીનમુક્ત થયો હતો અને આ કેસની તારીખ હોવાથી શુક્રવારે બપોરે તે કોર્ટમાં હાજરી આપવા આવી રહ્યો હતો. તે સમયે અઠવાલાઇન્સ જિલ્લા કોર્ટ બિલ્ડિંગની સામે ફ્લાયઓવર બ્રીજ નીચે જ મોપેડ ઉપર આવેલા બે અજાણ્યાઓએ છરા જેવા ઘાતક હથિયાર સાથે તુટી પડ્યા હતા. સૂરજ ઉપર ઉપરા છાપરી 18થી 20 ઘા મારીને મોતને ઘાટ ઉતારી બંન્ને શખ્સો કેબલસ્ટેઈડ બ્રિજ થઈને અડાજણ તરફ પલાયન થઇ ગયા હતા. 
વર્તુળો કહે છે કે, સૂરજને દુર્ગેશ ઠાકોરની હત્યાનો બદલો લેવા માટે જ મોતને ઘાટ ઉતારાયો હોવાનું નકારી શકાય તેમ નથી. 
સૂરજ યાદવને કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં છરીના ઘા મારતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ સૂરજને સ્થાનિક લોકોએ 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તે પહેલાં તો તેણે દમ તોડી દીધો હતો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પીઆઇ, એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.