લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે SGCCI ના સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન

sgcci isha deol

લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે SGCCI ના સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન

વિશ્વમાં અનેક સ્થળોએ જ્વેલરી એકઝીબીશનની મુલાકાત લીધી છે, પરંતુ સ્પાર્કલ એકઝીબીશન પોતાનામાં જ એક સ્પાર્ક નિર્માણ કરે છે : લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ

જ્વેલરીની પચાસ ટકા માંગ લગ્નોમાંથી આવે છે, અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ક્રિસમસ પણ આવવાની છે, તેથી સ્પાર્કલમાં ભાગ લેનારા તમામ જ્વેલર્સને તેનો ઘણો લાભ થશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

સ્પાર્કલ જેવા પ્રદર્શનોથી ઈનોવેશન, રિનોવેશન અને રિસર્ચની શરૂઆત થાય છે, સફળતા એને જ મળે છે જે મહેનત કરે છે, તેથી મહેનત અને ઈનોવેશન એ બંનેને સમતોલ રાખવા જોઇએ : સુરતના સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે આજરોજ લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.

શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. સ્પાર્કલના ઉદ્‌ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી સુશ્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહયા હતા અને તેમના વરદ્‌ હસ્તે સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. સમારોહમાં સુરતના માનનીય સાંસદ શ્રી મુકેશ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી અને ભારતના કેન્દ્રિય પૂર્વ ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ પણ ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક જ્વેલરી વપરાશમાં ભારતનું યોગદાન લગભગ ર૯ ટકા છે. એક રિપોર્ટ અનુસાર, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં દર વર્ષે ૧૪ ટકા વૃદ્ધિ થવાની ધારણા છે. ટાયર–૧ શહેરોમાં અમદાવાદમાં ૩૪ ટકા, હૈદરાબાદ ૩ર ટકા અને ચેન્નાઇમાં ૩૪ ટકાની વૃદ્ધિ સાથે દેશમાં જ્વેલરીની માંગમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે ટાયર–ર શહેરોમાં, ગુજરાતના રાજકોટમાં જ્વેલરીની માંગમાં ૭ર ટકા વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે સુરતમાં ૪૩ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સ્પાર્કલ પ્રદર્શનમાં નવા ટ્રેન્ડમાં તમામ પ્રકારની જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને, પોલ્કી કોમ્બિનેશન જ્વેલરી, હેરિટેજ અને એન્ટિક જ્વેલરી, મીના કારીગરીવાળી જ્વેલરી, હાથી અને મોરની ડિઝાઇન સાથેની જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ જ્વેલરીની પચાસ ટકા માંગ લગ્નોમાંથી આવે છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ક્રિસમસ પણ આવવાની છે, તેથી સ્પાર્કલમાં ભાગ લેનારા તમામ જ્વેલર્સને તેનો ઘણો લાભ થશે.

ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સાથેનું સિલેકશન આ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલે પ્રદર્શનમાં જ્વેલર્સ દ્વારા મૂકવામાં આવેલા આભૂષણોને ‘માસ્ટરપીસ’ કહીને બિરદાવ્યા હતા. આભૂષણોનો શોખ રાખતા લોકોએ અવશ્ય આ પ્રદર્શનની મુલાકાત લેવી જોઈએ તેવો તેમણે આગ્રહ રાખ્યો હતો. તેમણે કહયું હતું કે, વિશ્વમાં અનેક સ્થળોએ રાખવામાં આવેલા જ્વેલરી એકઝીબીશનની મુલાકાત લીધી છે, પરંતુ સ્પાર્કલ એકઝીબીશન પોતાનામાં જ એક સ્પાર્ક નિર્માણ કરે છે તેમ જણાય છે તેમ તેમણે જણાવ્યું હતું.

સુરતના સંસદ સભ્ય શ્રી મુકેશ દલાલે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૮થી શરૂ કરવામાં આવેલા સ્પાર્કલ એકઝીબીશનથી જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને પ્રોત્સાહન મળે છે. આવા પ્રકારના પ્રદર્શનથી જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને માર્કેટ પણ સરળતાથી મળી રહે છે. સાથે જ જ્વેલરી ઉદ્યોગ માટે નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ એક પ્લેટફોર્મ પણ ઊભું થાય છે. આવા પ્રદર્શનોથી નવા ઈનોવેશન, રિનોવેશન અને રિસર્ચની પણ શરૂઆત થાય છે. સફળતા એને જ મળે છે જે મહેનત કરે છે, તેથી મહેનત અને ઈનોવેશન એ બંનેને સમતોલ રાખવા જોઇએ.

સ્પાર્કલ પ્રદર્શનમાં મુલાકાતીઓને ચાંદીના સિકકા ગીફટ તરીકે આપવામાં આવી રહયા છે. ચેમ્બર દ્વારા દર કલાકે લકી ડ્રોનું આયોજન કરવામાં આવી રહયું છે, જેમાં મુલાકાતીઓને દર કલાકે લકી ડ્રો થકી ચાંદીના સિકકા ગીફટમાં આપવામાં આવી રહયા છે. ઉદ્‌ઘાટન સમારોહ દરમ્યાન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે પણ મુલાકાતીઓને ચાંદીના સિકકા ગીફટ તરીકે આપવામાં આવ્યા હતા. 

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો, લેડીઝ વીંગ તથા વુમન આંત્રપ્રિન્યોર સેલના મહિલા સાહસિકો, સ્પાર્કલ પ્રદર્શનમાં ભાગ લેનારા જ્વેલર્સ અને શહેરીજનો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. સ્પાર્કલ એકઝીબીશનના કો–ચેરમેન શ્રી સ્નેહલ પચ્ચીગરે એકઝીબીશનની માહિતી આપી હતી. ચેમ્બરની આર્ટ – કલ્ચર એન્ડ હેન્ડીફ્રાફટ કમિટીના કો–ચેરપર્સન તેમજ વુમન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય સુશ્રી નિમિષા પારેખે સમારોહનું સંચાલન કર્યું હતું.