અમરોલી છાપરાભાઠા રોડ પર ચૌધરીવાસના રસ્તાઓ ગોબરથી ખદબદે છે, લોકોમાં ભભૂકતો રોષ

અમરોલી છાપરાભાઠા રોડ પર ચૌધરીવાસના રસ્તાઓ ગોબરથી ખદબદે છે, લોકોમાં ભભૂકતો રોષ

સુરત- શહેરના અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા વરિયાવ-તાડવાડી નજીકના ચૌધરીવાસના રસ્તાઓ ગોબર તેમજ ગંદકીથી ખદબદતાં હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. કહેવાય છે કે વારંવારની ફરિયાદ છતાંય તબેલાવાળા પશુઓનો ગંદવાડ રસ્તાઓ પર નાંખતા હોવાથી રાહદારીઓ પણ હેરાન થઈ ગયા છે. સૂત્રોનું કહેવું છે કે ઘણી અરજી કર્યા બાદ પાલિકા ડ્રેનેજ ચેમ્બર સાફ કરે છે પણ એક કે બે દિવસ બાદ ફરી ડ્રેનેજ બ્લોક થતાં તબેલાના ગોબરની ગંદકી જ કારણભૂત હોવાનું લોકો માની રહ્યા છે. એક રહીશે કહ્યું કે, વરિયાવ-તાડવાડી વિસ્તારમાં ચૌધરીવાસ લગભગ 50 વર્ષ જૂનું છે. અહીં 200થી 300 જેટલા મકાનો આવેલા છે. જોકે 10 વર્ષથી તબેલા બાંધી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના કારણે પરેશાની ઊભી થઈ છે. વધુમાં જણાવ્યું હતું કે અમને તબેલા કે એના વ્યવસાય સામે કોઈ વાંધો નથી પણ ગોબરથી ગંદો થતો રોડ અને દુર્ગંધવાળા પાણીથી હેરાનગતિ થાય છે તેની સામે વાંધો છે.