તહેવારોને ધ્યાને લઈ જાહેરનામા દ્વારા જિલ્લામાં હથિયારબંધી લાગુ કરી
jainshilp samachar
સુરત: આગામી સમયમાં અગત્યના તહેવારો આવતા હોય અને સુરત શહેરમાં બનતા ગુનાઓમાં છરી, ચપ્પા, ખંજર જેવા હથિયારોનો ઉપયોગ જોવા મળ્યો છે, જેને અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેના દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૦/૧૦/૨૦૨૨ દિવાળી સુધી હથિયારબંધી લાગુ કરી છે. જે મુજબ કોઈ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, સોટા, ખંજર, છરી-ચપ્પા, ભાલા, લાકડા કે લાકડી, તલવાર, શારીરિક ઈજા પહોંચાડે તેવા સાધનો સાથે લઈ જવા નહી. આ ઉપરાંત કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ, શસ્ત્રો અથવા સાધનો સાથે લઈ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર અને છરી-ચપ્પા, રેમ્બો ચાકુના વેચાણ કે લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહી. જેનાથી સુરુચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં. તેવા હાવભાવ કરવા નહીં તેવી ચેષ્ઠા કરવી નહીં તથા ચિત્રો પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહીં અને બતાવવી નહીં. કોઈ સળગતી મશાલ લઈ જવી નહીં. લોકોને અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બુમો પાડવી નહીં અને ગીતો ગાવા નહીં સાથે વાઘ વગાડવા તેમજ પરવાનાવાળા હથિયારો જાહેર જગ્યાઓએ, સામાજીક મેળાવડા, ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં હવામાં ફાયર કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારી કર્મચારી કે જેને ઉપરી અધિકારીએ સરકારી ફરજ બજાવવા આજ્ઞા આપી હોય, પોલીસ કમિશનર અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને અથવા જેને શારીરિક અશક્તિને કારણે લાકડી, લાઠી લઈ જવાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.