અઠવાગેટ પર ભૂવો પડી જતાં સુરતના મેયર-કમિશનરના નનામીની હોળી, યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત 100થી વધુ આગેવાનોની અટકાયત

Athva gate

અઠવાગેટ પર ભૂવો પડી જતાં સુરતના મેયર-કમિશનરના નનામીની હોળી, યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત 100થી વધુ આગેવાનોની અટકાયત

સુરત. સુરત શહેરના અત્યંત બિસ્માર અને જર્જરિત થઈ ગયેલા રોડ-રસ્તા બાબતે અનેકવાર રજૂઆત પછી આજે સવારે અઠવાગેટ સ્થિત રોડ પર મોટો ભૂવો પડી જતાં યુથ કોંગ્રેસ દ્વારા અણધારી રીતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેને પગલે પોલીસે પ્રમુખ સહિત 100થી વધુ યુથ આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયત કરીને ભ્રષ્ટાચારી ભાજપને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપના ભ્રષ્ટ શાસકો દ્વારા સુરતની ખુબસુરતીને બટ્ટો લગાડવામાં આવી રહ્યો હતો. આ સંદર્ભે યુથ કોંગ્રેસ દ્વારા અનેકવાર સન્માનજનક રીતે રજૂઆતો કરવામાં આવી હતી. બે સપ્તાહપૂર્વે મેયરને રોડ-રસ્તા પર પધારવા પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું પરંતુ નવરાત્રિના પર્વ દરમિયાન સત્ય સામે અસત્યની જીત થઈ હોવાનું ભાષણ કરીને અણઆવડત છતી કરનાર મેયર જવાબદારીમાંથી નાસી છુટ્યા હતા. આજે સવારે અઠવાગેટ પર મોટો ભૂવો પડી જતાં સુરતની જનતા સાથે ઠગાઈ કરનાર ભાજપની પોલ ખોલવી જરૂરી હતી એટલે યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકા, ફૈસલ રંગુની સહિત મોટી સંખ્યામાં યુવાઓ અઠવાગેટ ખાતે એકત્રિત થયા હતા અને આશ્ચર્યજનક રીતે મેયર-કમિશનરની નનામી બાળવા લાગ્યા હતા પરંતુ પોલીસને પહેલાંથી જ ભનક આવી જતાં મોટી સંખ્યામાં પોલીસસ્ટાફ ખડકી દેવાયો હતો અને મેયર-કમિશનરની નનામી ઝુંટવી લેવામાં આવી હતી. જોકે, યુથ કોંગ્રેસે ભાજપનો પ્રચંડ વિરોધ કરીને હુર્રિયો બોલાવતા આખરે પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકા, મહામંત્રી ફૈસલ રંગુની, હિરેન કંથારીયા, કાદિર શૈખ, મોઇન ચીના, અફસર લાઈટવાળા, સોહેલ સાયકલવાળા, નાસીર પઠાણ, વિશાલ બારડોલીયા, ધૈર્યરાજ સિંહ, ધીરેન્દ્ર રાજપુત, પ્રીત ચાવડા, આદિલ કુરેશી, આમિર પઠાણ, સિદ્દીક ટામેટા, પ્રશાંત વાઘેલા, મોઇન મેમણ, શોએબ ચાંદીવાળા,,મોહસીન કાનુગા, તુફેલ પટેલ સહિત 100થી વધુ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, મહિના પહેલાં મેયરે 3 દિવસમાં સુરતના રોડ-રસ્તા રિપેર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ નકારા સ્ટાફે મેયરની વાત સાંભળી ન હતી. ત્યારબાદ શાલિની અગ્રવાલે એક સપ્તાહની મુદ્દતમાં રોડ-રસ્તા રીપેર નહી થાય તો આકરી કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી હતી પરંતુ આ બધુ મીડિયા સમક્ષ બોલીને સુરતની ભોળી જનતાને ઉલ્લું બનાવવાના ધંધા કરવામાં આવી રહ્યાં હોવાનું યુથ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.