દાટેલો તમંચો કાઢીને ઘરે લઈ જતાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

jainshilp samachar

દાટેલો તમંચો કાઢીને ઘરે લઈ જતાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
દાટેલો તમંચો કાઢીને ઘરે લઈ જતાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરત : સુરત ક્રાઈમ બ્રાન્ચે જમીનમાં દાટેલો તમંચો કાઢીને ઘરે લઈ જતાં કરિયાણાવાળાને ઝડપી પાડ્યો છે. દુકાનદાર અગાઉ હોજીવાલા કંપાઉન્ડમાં ચાની લારી ચલાવતો હતો ત્યારે આજુબાજુ જંગલ હોય કોઈ નાણાં લૂટી ના જાય તે માટે વતન બિહારથી છ વર્ષ અગાઉ તમંચો લાવ્યો હતો.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સચીન હોજીવાલા કંપાઉન્ડ રોડ નં.10 ખાતેથી 39 વર્ષીય સંતોષકુમાર બ્રીજબિહારીસિંગ કુશ્વાહા (રહે.પ્લોટ નં.91, સુડા સેક્ટર 1, સચીન એપરલ પાર્ક ગેટ, સુરત. મૂળ રહે.આતાનગર, તા.ઈશ્વાપુર, જી.છપરા, બિહાર)ને એક કટાયેલા તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. હાલ પોતાના ઘરમાં જ કરીયાણાની દુકાન ધરાવતા સંતોષકુમારની ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે 20 વર્ષ અગાઉ રોજીરોટી માટે સુરત આવ્યો હતો અને પાંચ વર્ષ સચીન વિસ્તારની જુદીજુદી મિલોમાં મજૂરી કરી હતી. ત્યાર બાદ તેણે સચીન હોજીવાલા કંપાઉન્ડમાં ચાની લારી શરૂ કરી હતી.
જે જગ્યા પર ચાની લારી ચાલુ કરી હતી તે જગ્યાની આસપાસનો વિસ્તાર જંગલ જેવો હતો. જેના કારણે તેને કાયમ ડર રહેતો હતો કે રાત્રે કોઈ તેનો દિવસભરનો વકરો લૂંટી તો નહીં લે ને. આથી તે છ વર્ષ અગાઉ પોતાના ગામ બિહાર ગયો હતો ત્યારે ગામથી 10 કિ.મી. દૂર સાળંગપુર ગામ ખાતે ભરાયેલા મેળામાંથી એક અજાણ્યા પાસેથી તમંચો ખરીદીને લાવ્યો હતો. તમંચો ત્યાર બાદ તેણે ચા ની લારી પર છુપાવીને રાખ્યો હતો. બાદમાં ચાની લારી બંધ કરી સંતોષકુમારે ઘરમાં કરીયાણાની દુકાન શરૂ કરતા તમંચાની જરૂર ન હોય તેણે તમંચો સચીન હોજીવાલા કંપાઉન્ડ પ્લોટ નં.10 ની ખુલ્લી જગ્યામાં જમીનમાં દોઢ ફૂટનો ખાડો ખોદી દાટી દીધો હતો. ગતરોજ સંતોષકુમાર તે જગ્યાએ જતા તમંચો યાદ આવ્યો હતો. તેથી ખાડો ખોદી તમંચો બહાર કાઢી ઘરે લઈને જતો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.