પાંડેસરામાં ટેન્કરની ટક્કરે બાઇકચાલક બે મિત્રોના મોત

jainshilp

પાંડેસરામાં ટેન્કરની ટક્કરે બાઇકચાલક બે મિત્રોના મોત

સુરત : ડિંડોલી ખાતે રહેતા બે મિત્રો આજે ગુરુવારના રોજ સવારે મોટરસાઈકલ પર પાંડેસરા જીઆઇડીસીમાં નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારે અજાણ્યા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બંને મિત્રોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયા હતા.
નવી સિવિલ અને પોલીસ સૂત્રો મુજબ  ડિંડોલી ખાતે ગાયત્રીનગરમાં રહેતો ૩૫ વર્ષીય નીતિન કાલીદાશ પાડવી અને ત્યાં જ રહેતો તેનો મિત્ર મહેશ સતરસીંગ પાડવી (ઉ.વ. ૩૭) ગુરુવારના રોજ સવારે બાઈક પર પાંડેસરા જી.આઇ.ડી.સીમાં નોકરીએ જવા નીકળ્યા હતા. તે સમયે પાંડેસરા જીઆઇડીસી બીએસએનલ ઓફિસ નજીક  કોઈ અજાણ્યા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રો ગંભીર રીતે ઘાયલ થઈ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટના બાદ ટેન્કરચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માતના લીધે કેટલાક લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. તેમજ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરીને બંનેના મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જયારે નીતિન મુળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની હતો. જયારે મહેશ મુળ તાપી જિલ્લાના નિઝર તાલુકાનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જયારે બંને મિત્ર પાંડેસરાની એક જ મીલમાં નોકરી કરતા હતા. આ અંગે પાંડેસરા પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.