SGCCIના પ્રતિનિધિએ જાપાનમાં ઓસાકા સ્થિત ભારતીય દૂતાવાસના વાઇસ કાઉન્સીલ જનરલ સાથે મિટીંગ કરી
sgcci-2-4-25

દક્ષિણ ગુજરાત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધે તે માટે તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટેક્ષેશન, ટેક્ષ્ટાઇલ અને એજ્યુકેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં બંને પક્ષે એકબીજાની વ્યવસાયિક સહભાગીદારી વધે તે માટે વિસ્તૃત ચર્ચા થઇ
જૈનશિલ્પ સમાચાર, સુરત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મેનેજિંગ કમિટીના સભ્ય તેમજ ચેમ્બરની MSME કમિટીના એડવાઇઝર શ્રી જનક પચ્ચીગરે જાપાન પ્રવાસ દરમ્યાન શુક્રવાર, તા. ર૮ માર્ચ, ર૦રપના રોજ જાપાન ખાતે ઓસાકા સ્થિત ભારતીય દુતાવાસના વાઇસ કાઉન્સીલ જનરલ શ્રી કમલેશ પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. આ મિટીંગમાં ચેમ્બરના પ્રતિનિધિ તરીકે શ્રી પરેશ ભટ્ટ વર્ચ્યુઅલી જોડાયા હતા અને તેમણે દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ ચેમ્બર ઓફ કોમર્સની ભૂમિકા તેમજ તેના કાર્યક્ષેત્ર બાબતે માહિતી આપી હતી.
જાપાન ખાતે ઓસાકા સ્થિત ભારતીય દૂતાવાસના વાઇસ કાઉન્સીલ જનરલ શ્રી કમલેશ પ્રસાદે ચેમ્બરના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, જાપાનમાં થતા એકઝીબીશનોમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ પ્રતિનિધિત્વ કરી ચેમ્બરના સભ્યોને તથા સ્થાનિક ઉદ્યોગકારોને જાપાનની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓના સમૂહ સાથે તથા ભારતીય પ્રવાસીઓ સાથે જોડાણ કરવા માટે સમજૂતિ કરાર કરી શકાય તેમ છે. વધુમાં તેમણે કહયું કે, જાપાન એન્ટરપ્રાઇઝના સભ્યો ભારતમાં સ્થાનિક ઉદ્યોગ સાહસિકો સાથે ભાગીદારી કરવાની ઇચ્છા ધરાવે છે, આથી ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સુરત ખાતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો સાથે તેઓની ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
ચેમ્બરના પ્રતિનિધિ શ્રી જનક પચ્ચીગરે જણાવ્યું હતું કે, ઉપરોકત મિટીંગમાં દક્ષિણ ગુજરાત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધે તે માટે તેમજ ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટેક્ષેશન, ટેક્ષ્ટાઇલ અને એજ્યુકેશન જેવા વિવિધ ક્ષેત્રમાં એકબીજાની સહભાગીદારી વધે તે માટે વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને જાપાનના ઉદ્યોગકારો, એકબીજા વચ્ચે પરસ્પર વ્યવસાયિક વિચારોનું આદાન – પ્રદાન કરી શકે અને એકબીજાને પરસ્પર ઉપયોગી થઇ શકે તે માટે તેઓની વચ્ચે ઇન્ટરેકટીવ મિટીંગ કરવા હેતુ બંને પક્ષે સહમતિ સાધવામાં આવી હતી.
વધુમાં શ્રી જનક પચ્ચીગરે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગોની મુલાકાત માટે તેમજ ઇન્ટરેકટીવ બીટુબી મિટીંગ માટે જાપાનના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળને સુરત ખાતે પધારવા માટે ચેમ્બર વતિ શ્રી કમલેશ પ્રસાદને આમંત્રણ આપ્યું હતું. જ્યારે ભારતીય દુતાવાસના વાઇસ કાઉન્સીલ જનરલ શ્રી કમલેશ પ્રસાદે પણ SGCCIના નેજા હેઠળ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળને જાપાન ખાતે એકઝીબીશનો તથા ઉદ્યોગોની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.