SGCCI તથા ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિ.ના સંયુકત ઉપક્રમે બારડોલી ખાતે ‘સહકારી ક્રાંતિઃ વિકસિત ભારતનો આધાર’વિષે કાર્યક્રમ યોજાયો

Sgcci12

SGCCI તથા ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિ.ના સંયુકત ઉપક્રમે બારડોલી ખાતે ‘સહકારી ક્રાંતિઃ વિકસિત ભારતનો આધાર’વિષે કાર્યક્રમ યોજાયો

સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિ.ના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ બપોરે રઃ૦૦ કલાકે બારડોલી લેઉવા પાટીદાર સમાજની વાડી, બારડોલી ખાતે ‘સહકારી ક્રાંતિઃ વિકસિત ભારતનો આધાર’વિષય પર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુમુલના ચેરમેન શ્રી માનસિંહ પટેલ ઉપસ્થિત રહયા હતા. તાપી – વલસાડના ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રાર શ્રી ધૃવિન પટેલ, સુરત – નવસારીના ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રાર શ્રી હરીશ કાછડ અને ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિ.ના પૂર્વ પ્રમુખ શ્રી નરેશ પટેલે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.

આ કાર્યક્રમમાં નિષ્ણાંત વકતાઓ તરીકે ભરૂચ ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિ.ના પૂર્વ મેનેજિંગ ડિરેકટર શ્રી રજનીકાંત પી. રાવલ, ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિ.ના મેનેજિંગ ડિરેકટર શ્રી મહાવીર સિંહ ચૌહાણ અને અમદાવાદના ERP ફાયનાન્શીયલ કન્સલ્ટન્ટ સીએ શ્રીધર શાહે સેવા સહકારી મંડળીઓના રોજબરોજના વહીવટમાં સહકારી કાયદાની અગત્યની જોગવાઇઓ, સહકારી ક્રાંતિઃ મધ્યસ્થ બેંકની ભૂમિકા અને ફાયનાન્શીયલ રેકોર્ડની જાળવણીમાં એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગના મહત્વ સંદર્ભે સહકારી મંડળીઓના સભ્યો, ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં સર્વેને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે સહકારી ક્રાંતિ એ વિકસિત રાષ્ટ્રની કરોડરજ્જુ છે. સહકારી મંડળીઓ થકી ગામડાઓનો વિકાસ થશે અને તેને આધારે જ દેશનો વિકાસ સંભવ છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટની સાથે ચેમ્બર ઓફ કોમર્સે ગામડાઓમાં રોજગાર વધે તે માટે સહકારી મંડળીઓનો વધુ વિકાસ થાય તે માટે પણ પ્રયાસો શરૂ કર્યા છે અને તેના ભાગ રૂપે પ્રથમ વખત બારડોલીમાં સહકારી મંડળીઓ સાથે મળીને કાર્યક્રમોનું આયોજન કરાઇ રહયું છે, આથી તેમણે સહકારી મંડળીઓના સભ્યો, સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોને ચેમ્બરના કાર્યક્રમોમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિ.ના પ્રમુખ શ્રી બળવંત પટેલ અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ્‌સ– અમદાવાદના પ્રમુખ શ્રી વિશ્વેશ શાહે પણ સ્વાગત પ્રવચનમાં સહકારી મંડળીઓના સભ્યો અને ગ્રામજનોને સંબોધન કરી સહકારી મંડળીઓ થકી દેશના વિકાસમાં યોગદાન આપવા હાંકલ કરી હતી.

મુખ્ય મહેમાન સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રોના વિકાસ થકી જ વિકસિત ભારતની કલ્પના સાકાર કરી શકાશે, જેથી કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહકારી ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવી રહયું છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સહકારી ક્ષેત્રનો વિકાસ જબરજસ્ત થયો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ સ્થપાયેલી છે. સહકારી ક્ષેત્રનો વિકાસ થશે એટલે ગામડાઓ આપોઆપ સમૃદ્ધ થઇ જશે. ગ્રામિણ વિસ્તારમાં રોજગારી નિર્માણ થશે અને ઉદ્યોગ સાહસિકતા થકી રૂરલ ઇકોનોમી ડેવલપ થશે.

શ્રી ધ્રુવિન પટેલ, હરીશ કાછડ અને શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર હવે સહકારથી સમૃદ્ધિનો વિચાર સાથે આગળ વધી રહી છે. સરકારે સહકારી ક્ષેત્રોના વિકાસ માટે બનાવેલા કાયદા અમલમાં મૂકી દીધા છે અને પ્રોત્સાહક સ્કીમો બહાર પાડી છે. ભારત સરકારે અલગથી સહકાર મંત્રાલય બનાવ્યું છે. કેન્દ્રિય સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ પણ સહકારી ક્ષેત્રની સાથે સંકળાયેલા છે અને સહકારી ક્ષેત્રોનો વિકાસ દેશના વિકાસ માટે કેટલો જરૂરી છે તેનું મહત્વ તેઓ જાણે છે. સરકાર, સહકારી ક્ષેત્રને મદદ માટે તૈયાર છે, આથી પેટા નિયમોને ધ્યાને લઇને સહકારી મંડળીઓએ આગળ વધવાનું છે.

રજનિકાંત પી. રાવલે સેવા સહકારી મંડળીઓના રોજબરોજના વહીવટમાં સહકારી કાયદાની અગત્યની જોગવાઇ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે સહકારી ક્ષેત્રો માટે બનેલા સહકારી પેટા કાયદાઓની સમજણ આપી હતી. શ્રી મહાવીર સિંહ ચૌહાણે સહકારી ક્ષેત્રોના વિકાસ માટે મધ્યસ્થી બેંકોની ભૂમિકા વિષે જાણકારી આપી હતી. જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી શ્રીધર શાહે ફાયનાન્શીયલ રેકોર્ડની જાળવણીમાં એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગના મહત્વ વિષે સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને ટેકનોલોજી સ્વીકારવી જ પડશે. કોમ્પ્યુટરાઇઝેશન સિવાય છુટકારો નથી અને એના માટે સરકારે સૂચિત પણ કર્યા છે. સહકારી મંડળીઓના કાર્ય તથા રેકોર્ડને ERP બેઇઝ કરવા પડશે. હવે તો મોબાઇલથી પણ રેકોર્ડ રાખી શકાય છે.

ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન સીએ મિતિષ મોદીએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ સહકારી માળખાની ધરોહર છે. ગુજરાત રાજ્યના વિકાસમાં આ મંડળીઓનો ફાળો બુનિયાદી રૂપે ઇતિહાસમાં નોંધાઈ ચૂકયો છે. આપણી સહકારી મંડળીઓ મજબૂતી સાથે સહકારના સિદ્ધાંતોને વળગી રહીને પોતાની ક્ષમતા, કાર્યદક્ષતા અને અસરકારકતા વધારવા સતત પ્રયત્નશીલ છે ત્યારે સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કાર્યક્રમો યોજાઇ રહયા છે તેમ જણાવી તેમણે તમામ વકતાશ્રીઓનો પરિચય આપ્યો હતો.

આ કાર્યક્રમના આયોજન માટે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ્‌સ, અમદાવાદ તથા બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ સહકારી મંડળીઓના સભ્યો, સ્થાનિક વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ્‌સ– અમદાવાદના સેક્રેટરી એડવોકેટ મૃદંગ એચ. વકીલે સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.