કરમલા ગામે કૃષિરાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

jainshilp samachar

કરમલા ગામે કૃષિરાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સુરત: જરૂરિયાતમંદ નાગરિકોના વ્યક્તિલક્ષી લાભો ઘરઆંગણે મળી રહે એવા આશયથી રાજ્ય સરકારે શરૂ કરેલા રાજ્યવ્યાપી સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના કરમલા ગામે પ્રાથમિક શાળામાં કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અટોદરા, માસમા, સરોલ, ઈશનપોર, વડોદ, કોસમ, શેરડી, અસનાબાદ, હાથીસા, કણાદ, સરોલી, જોથાણ, તળાદ એમ ૧૩ ગામોના નાગરિકોએ ઘરઆંગણે ૭-૧૨/૮-અ પ્રમાણપત્રો, વિધવા સહાય, આધારકાર્ડ, રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્રો, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ સુધારા જેવી ૫૬ પ્રકારની સેવાઓનો લાભ લઈને અરજીઓનું સ્થળ પર જ નિરાકરણ મેળવ્યું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકાર પ્રજાના દ્વારે આવી છે. રાજયમાં ૧૦૦ દિવસના સમયગાળામાં ૨૫૦૦ જેટલા સેવા સેતુનું આયોજન કરી માનવીના રોજબરોજના સરકારી યોજનાકીય લાભો, પ્રમાણપત્રોની સુવિધા આપવાનો સંકલ્પ છે. સેવા સેતુના કારણે લોકોને તાલુકામથક સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે એમ જણાવી તેમણે સેવાસેતુ થકી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો. પ્રાંત અધિકારી યુ.એન.જાડેજાએ રાજ્ય સરકારના અનોખા સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને એક જ છત્ર હેઠળ અનેક પ્રકારની સેવા મળતી હોવાનું અને લોકોને વિનાવિલંબ લાભ મળતાં હોવાનું જણાવી મહત્તમ તમામ પ્રકારની સરકારી સેવાઓ રાજ્ય સરકારે સેવા સેતુમાં આવરી લીધી છે એમ ઉમેર્યું હતું. આ પ્રસંગે સરપંચ ભક્તિબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ,  તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જશુબેન વસાવા, અગ્રણી સર્વ યોગેશભાઈ પટેલ, વનરાજભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.