એસજીસીસીઆઈએ ગુજરાત બજેટને સમગ્ર ગુજરાતનો સંપૂર્ણ વિકાસ કરી શકે તેવું વિકાસશીલ બજેટ ગણાવ્યું

SGCCI-GUJARAT BUDJET

એસજીસીસીઆઈએ ગુજરાત બજેટને સમગ્ર ગુજરાતનો સંપૂર્ણ વિકાસ કરી શકે તેવું વિકાસશીલ બજેટ ગણાવ્યું

જૈનશિલ્પ સમાચાર, સુરત

ગુજરાત બજેટ પછી મળેલી સમીક્ષા બેઠકમાં એસજીસીસીઆઈના પ્રમુખ વિજય મેવાવાલાએ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ શહેરી હદ વિસ્તારમાં સમાવિષ્ટ નોન પોલ્યુટેડ એકમોને ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીનો લાભ આપવા, સુરત એરપોર્ટ ખાતે કસ્ટમ ઓફિસની સાથે ઇન્ટરનેશનલ એર કાર્ગો સર્વિસ શરૂ કરવા તેમજ સુરતને ટેક્ષ્ટાઈલ યુનિવર્સિટી આપવા માટે રૂબરૂ રજૂઆત કરી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા અને ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ ગુરૂવાર, તા. ર૦ ફેબ્રુઆરી, ર૦રપના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત બજેટમાં હાજરી આપી હતી. ગુજરાત બજેટને સાંભળ્યા પછી ચેમ્બરના પ્રમુખ તથા ઉપ પ્રમુખે ગુજરાત બજેટને સમગ્ર ગુજરાતનો સંપૂર્ણ વિકાસ કરી શકે તેવું વિકાસશીલ બજેટ છે તેવી પ્રતિક્રિયા આપી બજેટમાં કરવામાં આવેલી વિવિધ ઉદ્યોગલક્ષી જોગવાઇઓને વધાવી લીધી હતી.

ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા ગુજરાત બજેટમાં ટેક્ષ્ટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા રૂપિયા ર૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇનો સૌથી વધુ લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને થશે. કારણ કે, ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં એમએમએફ સ્પીનિંગનો પણ સમાવેશ કરવામાં આવે છે, જે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ છે. આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે અંદાજે રૂપિયા ૩૬૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે રૂપિયા ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે મગદલ્લા પોર્ટના વિકાસ માટે રૂપિયા રપ૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.