ઉત્તરાખંડમાં વરસાદી તોફાનમાં 1 હજારથી વધુ ગુજરાતી ફસાયા

jayanti solanki

ઉત્તરાખંડમાં વરસાદી તોફાનમાં 1 હજારથી વધુ ગુજરાતી ફસાયા

અમદાવાદ: ઉત્તરાખંડમાં વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે. હાલમાં ત્યાંની સરકારે વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી, પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત ઉત્તરાખંડના સીએમના પુષ્કર ધામીના સંપર્કમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના 1 હજારથી વધુ ગુજરાતી યાત્રાળુંઓ ફસાયેલા છે. જોકે તમામ યાત્રાળું સલામત છે. સરકારે અટવાયેલા લોકો માટે એક હેલ્પ લાઈન શરૂ કરી છે. 079 23251900 નંબર પર ગુજરાતીઓ યાત્રાળુંઓની વિગત મેળવી શકાશે. ગૌરીકુંજથી 5 કિમી પહેલા ફાટા પાસે રસ્તા ઉપર જ ખાનગી વાહનોમાં ગયેલા ગુજરાતી યાત્રીઓ અટવાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામીએ ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા કુટુંબીજનો, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

રાજકોટના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને પ્રોફેસર સહિતના 30 જેટલા યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા છે. યાત્રાળુઓએ વાતચીતમાં કહ્યું કે, અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે. રાજકોટની ખ્યાતનામ રાજુ એન્જીનીયરીંગના ચેરમેન રાજુભાઇ દોશી અને તેમના પત્ની પણ ફસાયા છે. રાજકોટ ક્લેક્ટર અરુણમહેશબાબુએ યાત્રીઓ સાથે સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે.