SGCCI દ્વારા HR Week અંતર્ગત Inspiring Excellence in Leadership and Workforce Dynamic વિષે સેશન યોજાયું

Sgcci 41224

SGCCI દ્વારા HR Week અંતર્ગત Inspiring Excellence in Leadership and Workforce Dynamic વિષે સેશન યોજાયું

સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એચઆર વીક અંતર્ગત સોમવાર, તા. ર ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સંહતિ બિલ્ડીંગ, સરસાણા, સુરત ખાતે ‘ઇન્સ્પાયરીંગ એકસીલન્સ ઇન લીડરશિપ એન્ડ વર્કફોર્સ ડાયનેમિક’વિષય પર સેશન યોજાયું હતું, જેમાં નિષ્ણાંત વકતા તરીકે જાણીતા લીડરશિપ કોચ એન્ડ લીડરશિપ ઇન્કયુબેટર શ્રી હિમાંશુ ભટ્ટે હયુમન રિસોર્સ ક્ષેત્રની સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સને આજના સમયમાં બદલાઇ રહેલી એચઆર પ્રોફેશનલ્સની ભૂમિકા તથા તેઓના અભિગમ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, નેતૃત્વ એ માત્ર કોઇ પદ કે શીર્ષક નથી. નેતૃત્વ એટલે એક વિઝન, જે પરંપરાગત વિચારોને પડકારવા માટેનો હિંમતભર્યો દૃષ્ટિકોણ હોય છે. નેતૃત્વ એ ઓથોરિટી દ્વારા નહીં પરંતુ તેમના ઉદાહરણ, દ્રષ્ટિકોણ અને પ્રેરણાથી કર્મચારીઓમાં શક્તિ જગાડે છે. લીડર એ દરેક સંસ્થાનું એન્જીન હોય છે, જે શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે કર્મચારીઓને ગતિશીલ રાખવા માટે તેઓને સતત પ્રેરિત કરતા રહે છે. પ્રેરક નેતૃત્વ અને ગતિશીલ કર્મચારીઓનો સમન્વય હમેશા ઇનોવેશન, રેસીલીએન્સ અને એકસીલન્સ સર્જે છે.

શ્રી હિમાંશુ ભટ્ટે HR પ્રોફેશનલ્સને જણાવ્યું હતું કે, એક વિષય અને એક વિચારને ત્રણ વર્ષ આપવાની જરૂર છે. જે કર્મચારીઓને ઊંચાઇ હાંસલ કરવી છે તેઓને રોજ અડધા કલાક વાંચવાની આદત વિકસાવવી પડશે. ઘણા બધા કામો કરવાના છે તે મનમાં કાઢી નાંખો પણ થોડા મુદ્દા પર લાંબો સમય કામ કરવાનું છે, આ બાબત જીવન બદલી શકે તેમ છે. તેમણે હેબીટ અને એકટીવિટી વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સારી આદતો માટે ખાસ્સું કામ કરવું પડે છે. એકટીવિટી જ્યારે આદત (હેબીટ) બની જાય ત્યાં સુધી કામ કરવાની જરૂર હોય છે. પોતાનામાં ટ્રાન્સફોર્મેશન લાવવા માટે ઘણી સારી આદતો વિકસાવવી પડે છે. સફળતા માટે કમીટમેન્ટની આદત ડેવલપ કરવી પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે પ્રોફેશનલ્સોએ પ્લાનિંગ અને એકઝીકયુશન સ્કીલ વિકસાવવી પડે છે. આ બાબત તેમણે સફળ વ્યકિતઓના દાખલા આપીને સમજાવી હતી. કર્મચારી જે કઇ કામ કરતો હોય તેણે તેના છેલ્લે સુધીનું અપડેશન રાખવું જોઇએ. પ્રોફેશનલોએ પોતાના વિષયમાં શ્રેષ્ઠ બનવું પડશે. તેમણે કહયું કે, કોઇ પણ કામ કરતા પહેલા તેનું ૧૦૦ ટકા હોમવર્ક કરવું જોઇએ. એ કામ સંબંધિત જરૂરી બાબતોને ધ્યાનમાં લેવી જોઇએ. HR પ્રોફેશનલોએ પણ ૧૦૦ ટકા હોમવર્કનો આગ્રહ ટીમ માટે કરવો જોઇએ. આવું કરતા વધુમાં વધુ એક અઠવાડિયું લાગશે.

શ્રી હિમાંશુ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ પણ કામને અધુરામાં છોડી દેશો નહીં. જે કઇ કામ શરૂ કરો તેને પૂર્ણ કરો. હયુમન રિસોર્સ ક્ષેત્રની સાથે સંકળાયેલા પ્રોફેશનલોએ કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર કર્મચારીઓને આત્મીયતા આપવાનું કામ કરવાનું છે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ કાર્યક્રમની પૂર્વ ભૂમિકા બાંધી હતી. તેમણે જણાવ્યું હતું કે, હયુમન રિસોર્સ ક્ષેત્રના પ્રોફેશનલ્સને આજના સમયમાં ભૂલ કરતા કર્મચારીઓ કરતા સારું કરનારા કર્મચારીઓને પકડવાનો દૃષ્ટિકોણ કેળવવો પડશે. HRની ભૂમિકા હયુમન રિસોર્સ કરતા હયુમન રિલેશનશિપની હોવી જોઇએ. આ ક્ષેત્રમાં હવે સકારાત્મક અભિગમ ખૂબ જરૂરી બની ગયો છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા તથા HR પ્રોફેશનલ્સ સેશનમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેઇનીંગ કમિટીના કો–ચેરમેન શ્રી ચિરાગ દેસાઇએ વકતાનો પરિચય આપી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. નિષ્ણાંત વકતાએ HR પ્રોફેશનલ્સના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.