વેડ રોડ, લક્ષ્મીનગર પર ફાયરિંગ, પોલીસે હથિયાર અને બાઇક જપ્ત કર્યાં

jainshilp samachar

વેડ રોડ, લક્ષ્મીનગર પર ફાયરિંગ, પોલીસે હથિયાર અને બાઇક જપ્ત કર્યાં

સુરત ઃ સુરતના વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની હતી. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સામસામે ઝપાઝપી થયા બાદ હવામાં ફાયરિંગ કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. ચોક બજાર પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી છે.
ફાયરિંગના સમાચાર મળતાં ચોક બજારનો પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. અંગત અદાવતને લઈને ફાયરિંગ કરાયું હોવાની પોલીસ પાસેથી પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચોક બજાર પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજુબાજુના સીસીટીવી કૂટેજ મદદથી પોલીસે ફાયરિંગ કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઇ મનોજ ગઢવીએ જણાવ્યું હતું કે, હિતેશ સોલંકી નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હિતેશના જણાવ્યા મુજબ હેમંત નામના વ્યક્તિ સાથે થોડા દિવસો પહેલા કોઈક બાબતને લઈને માથાકૂટ થઈ હતી, તેની અંગત અદાવત રાખીને મારા ઉપર ફાયરિંગ કરાયું  છે. હાલ ગુનો નોંધીને તપાસ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ઝપાઝપી બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઘટના સ્થળ ઉપર તપાસ કરતા હથિયાર અને બાઇક જપ્ત કરાઈ છે.