ઉકાઈ ડેમની સપાટી 341.39 ફૂટ પર પહોંચી, 53 હજાર 796 ક્યુસેક પાણી છોડવાનું શરૂ
જૈનશિલ્પ સમાચાર (સુરત) છેલ્લા અઠવાડિયામાં મેઘરાજાએ ખોબલે ખોબલે મહેર કરી છે. આ સાથે શહેરીજનોમાં આનંદ છવાઈ જવા પામ્યો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345ની નજીક પહોંચી ગઈ છે. જૈનશિલ્પ સમાચાર અખબારની ફ્લડ કન્ટ્રોલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ઉકાઈ ડેમની હાલ સાંજે 7.16 વાગ્યે 341.39 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે 53 હજાર 796 ક્યુસેક પાણી છોડાવાનું શરૂ છે. ઉપરવાસમાં ગત અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદથી ઉકાઇ ડેમની સપાટી ઝડપભેર વધીને 341 ફૂટને પાર થઇ જતાં હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી બે વર્ષ સિંચાઇ અને પીવાના પાણી માટે તકલીફ નહિં પડશે. વર્ષે અંદાજે 3 હજાર (મિલિયન ક્યુબિક મીટર) પાણીની જરૂર રહે છે. જેની સામે હાલમાં ડેમમાં 5987 (એમસીએમ) પાણી છે. જેથી આગામી બે વર્ષ સુધી તો ચાલી જાય એટલું તો પાણી ડેમમાં ઉપલબ્ધ છે. કાળા વાદળો સાથે હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સવારથી જ સુરત શહેર જિલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત સિટીમાં 17 મિમિ, ચોર્યાસીમાં 18 મિમિ, ઓલપાડમાં 17 મિમિ અને ઉમરપાડામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. આ સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ 45.43 ઇંચ થયો છે. હજુ 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.