સિટીલાઇટ વિસ્તારના એક ફ્લેટના બેડરૂમનો દરવાજો લોક થતા પરિવારના ત્રણ ફસાયા
સુરત : સિટીલાઇટ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા પરિવારના 3 વ્યક્તિઓ મોડી રાત્રે બેડરૂમનો દરવાજો લોક થઇ જવાના કારણે અંદર જ ફસાઈ ગભરાઈ ગયા હતા. જોકે ફાયર બ્રિગેડે તમામને સહીસલામત બહાર કાઢતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સિટીલાઇટ ખાતે અશોક પાનની ગલીમાં સ્તુતિ એપાર્ટમેન્ટમાં ચોથા માળે ફ્લેટમાં રહેતા ૫૦ વર્ષીય મેહુલભાઈ, નયનાબેન (ઉ.વ.૩૭) અને જેનીલ (ઉ.વ.૮) રવિવારે રૂમમાં સુઇ ગયા હતા. જોકે મોડી રાત્રે ત્રણે સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને વોશરૂમ જવાનું હોઈ દરવાજો ખોલવા ગયા પણ તે સમયે બેડરૂમનો દરવાજો ખુલ્યો નહીં, દરવાજો અચાનક લોક થઇ ગયો હતો આના કારણે ત્રણે જણા અંદર ફસાઇ જતા ગભરાઇ ગયા હતા. ઘણા સમય સુધી પ્રયાસ કરવા છતા દરવાજો નહીં ખૂલતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. લાશ્કરોએ દરવાજાનું લોક તોડીને ત્રણે વ્યક્તિને સહીસલામત બહાર કાઢ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.